ભાજપની શાનદાર જીત પર ફડણવીસે કહ્યું, લોકોએ પીએમના વિકાસ વિઝનમાં વિશ્વાસ મૂક્યો…

નાગપુર: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટો પક્ષ છે, રાજ્યના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનમાં સંપૂર્ણ વિશ્ર્વાસ મૂક્યો છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું.
રવિવારે જાહેર થયેલા પરિણામોમાં, ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 288 નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં પ્રમુખના 207 પદો જીત્યા હતા. વિપક્ષી મહા વિકાસ આઘાડીનો સામૂહિક આંકડો 44 છે.
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, ભાજપે નગર પરિષદના પ્રમુખોના 117 પદો, શિવસેનાએ 53 પદો અને એનસીપીએ 37 પદો જીત્યા. કોંગ્રેસે 28, એનસીપી (એસપી) એ સાત પદો અને શિવસેના (યુબીટી) એ નવ પદો જીત્યા છે.નાગપુરના સત્તાવાર નિવાસ સ્થાન રામગીરી બંગલોમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ નાગપુર જિલ્લામાં વિપક્ષનો ગઢ તોડી નાખ્યો છે.
‘રવિવારના પરિણામોએ સ્પષ્ટપણે બતાવ્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી છે. 3000થી વધુ ભાજપના કાઉન્સિલરો ચૂંટાયા છે. રાજ્યના લોકોએ પીએમ મોદીના વિકાસ દ્રષ્ટિકોણમાં વિશ્ર્વાસ દર્શાવ્યો છે,’ એમ ફડણવીસે કહ્યું હતું.
‘નાગપુર જિલ્લામાં, ભાજપે અનેક કાઉન્સિલોને કોંગ્રેસમુક્ત બનાવી છે. રાજ્ય સરકાર જિલ્લામાં મોટા વિકાસલક્ષી પરિવર્તન લાવશે,’ એમ તેમણે કહ્યું હતું અને પાર્ટીના કાર્યકરોને પ્રચંડ જીતથી અહંકારી ન બનવા વિનંતી કરી હતી.મહાયુતિને મળેલા વિશાળ જનાદેશથી દરેક કાર્યકર્તા મહારાષ્ટ્રના લોકો માટે વધુ કામ કરવા માટે પ્રેરિત થશે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

રાજ્યના મહેસૂલ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ નાગપુર જિલ્લાના લોકોનો પીએમ મોદી અને સીએમ ફડણવીસની ‘ડબલ એન્જિન’ સરકાર પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો હતો.‘મુખ્ય પ્રધાન ફડણવીસે નાગપુર જિલ્લામાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે 6500 કરોડ રૂપિયા આપ્યા છે. નાગપુર જિલ્લામાં ભાજપના કુલ 317 કાઉન્સિલરો અને 22 કાઉન્સિલ પ્રમુખો ચૂંટાયા છે. પક્ષના કાર્યકરોએ આગામી નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે તૈયારી કરવી જોઈએ અને મોટી જીત સુનિશ્ર્ચિત કરવી જોઈએ,’ એમ બાવનકુળેએ જણાવ્યું. હતું.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો, જીત બાદ પીએમ મોદીએ કરી પોસ્ટ…



