હું ઓટો ચલાવતો હતો, અઢી વર્ષ પહેલા મેં મર્સિડીઝને ઓવરટેક કરી હતી, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મર્સિડીઝના બદલામાં શિવસેનામાં હોદ્દા આપવાના ઉદ્ધવ ઠાકરે પરના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી. શિવસેનાના નેતા અને વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેના નિવેદન બાદ હવે એકનાથ શિંદેએ પોતે ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો છે. પુણેની મુલાકાતે આવેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપક્ષ વિધાન સભ્ય શરદ સોનાવણેના પાર્ટીમાં જોડાવાના પ્રસંગે કહ્યું હતું કે, ‘મેં અઢી વર્ષ પહેલા મર્સિડીઝને પાછળ છોડી દીધી હતી.’ શિંદેના આ કટાક્ષને નીલમ ગોર્હે દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
એકનાથ શિંદે પુણે જિલ્લાના જુન્નર તાલુકામાં એક રેલીને સંબોધી રહ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં અપક્ષ વિધાનસભ્ય શરદ સોનાવણે શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા હતા. સોનાવણેએ ઓટોરિક્ષાને ચૂંટણી પ્રતીક તરીકે રાખીને ચૂંટણી લડી હતી. આનો ઉલ્લેખ કરતાં શિંદેએ કહ્યું હતું કે, સોનાવણે રિક્ષાના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડ્યા હતા. હું પણ એક વાર રિક્ષા ચલાવતો હતો અને અઢી વર્ષ પહેલાં મેં મર્સિડીઝને પાછળ છોડી દીધી હતી.
દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન દરમિયાન ઠાકરે અને મર્સિડીઝ કારનો વિવાદ શરૂ થયો હતો, જ્યાં ગોર્હેએ આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિધાનસભ્યોને મળતા નહોતા. આ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. શરદ પવારે નીલમ ગોર્હેના નિવેદનની નિંદા કરી હતી, જ્યારે બીજી તરફ શિવસેના યુબીટીએ ગોર્હે પાસેથી પુરાવા માગ્યા હતા.
શિંદેએ મહાકુંભની મુલાકાત અંગે ઠાકરેની તાજેતરની ટિપ્પણીઓ પર પણ પ્રતિક્રિયા આપી. જ્યાં બાદમાં દાવો કર્યો હતો કે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવાથી મહારાષ્ટ્ર સાથે દગો કરવાના તેમના પાપ ધોવાશે નહીં. પોતાની યાત્રાનો બચાવ કરતા શિંદેએ કહ્યું હતું કે, કેટલાક લોકો મારી ટીકા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આમ કરીને તેમણે મહાકુંભનું અપમાન કર્યું છે. હિન્દુત્વ અને બાળાસાહેબ ઠાકરેના આદર્શોનો ત્યાગ કરનારાઓના પાપો ધોવા માટે મેં ગંગામાં ડૂબકી લગાવી હતી. તેઓ (શિવસેના યુબીટી) પાયાવિહોણા આરોપો લગાવતા રહેશે અને અમે સામાન્ય લોકો માટે કામ કરતા રહીશું, એમ શિંદેએ જણાવ્યું હતું. એટલા માટે અમને ચૂંટણીમાં તેમના કરતા 15 લાખ વધુ મત મળ્યા. આજે પણ લોકો વાસ્તવિક શિવસેનામાં જોડાવા માટે કતારમાં ઉભા છે કારણ કે તેમને મારામાં વિશ્ર્વાસ છે.
આ પણ વાંચો : બાળ ઠાકરેની વિચારધારાને તરછોડવાના તેમના પાપને ધોવા કૂંભ સ્નાન કર્યું: એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં અત્યારે મહાયુતિની સરકાર છે અને દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે નારાજીના અહેવાલો ફરી રહ્યા છે. મહાયુતિ સરકારના ગઠન બાદ શિવસેનાના ભાજપ અને અજિત પવારની પાર્ટી સાથે સંબંધો તંગ થઈ રહ્યા છે. બીજી તરફ શિંદે સતત પોતાની પાર્ટીનો વિસ્તાર કરી રહ્યા છે અને તેમાં તેમને સફળતા મળી છે.
વાસ્તવમાં એકનાથ શિંદેને તેમની પાર્ટીમાં વધુ એક વિધાનસભ્ય મળી ગયો છે. શરદ સોનાવણે શિવસેનામાં જોડાઈ ગયા છે. તેમની સાતે જિલ્લા પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ દેવરામ લાંડે અને નારાયણગાંવના સરપંચ બાબુ પાટે પણ શરદ સોનાવણે સાથે એકનાથ શિંદેની પાર્ટીમાં જોડાઈ ગયા છે. દેવરામ લાંડે જુન્નરમાંથી વંચિત બહુજન આઘાડીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. બાબુ પાટે શિવસેના (યુબીટી)ના જિલ્લા સ્તરીય નેતા છે.