મારા દીકરા નહીં, તાકાત હોય તો મારો મુકાબલો કરોઃ શિંદેનો ઠાકરેને પડકાર
મુંબઈ: શિવસેનાના ભાગલા થયા ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચેની ખટાશ જગજાહેર છે અને વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ બંને દ્વારા એકબીજા પર તીખા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. એકનાથ શિંદેએ પોતાના પુત્ર શ્રીકાંત શિંદેનો બચાવ કરતા કહ્યું હતું કે જો કોઇને લડવું હોય તો તેમણે મારા વિરુદ્ધ લડવું જોઇએ, મારા દીકરા વિરુદ્ધ નહીં.
થાણેમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે જો તમારે મુકાબલો કરવો હોય તો મારી સાથે કરો, મારા દીકરાને શા માટે નિશાન બનાવી રહ્યા છો? કોઇના દીકરાની આલોચના કેમ કરી રહ્યા છો? તમારે જો લડવું હોય તો મારા દીકરા નહીં, પરંતુ મારી સાથે આવીને મુકાબલો કરે. હું જાહેરમાં પડકાર ફેંકું છું. તે મારા કામને મળેલા પ્રતિસાદના કારણે અંદરથી વ્યાકુળ છે અને એટલા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. અમે તમારા આરોપોનો જવાબ અમારા કામથી આપીશું.
આ પણ વાંચો : મોદીજી દેશનું ગૌરવ, જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં આવે ત્યારે ખાલી હાથે આવતા નથી: એકનાથ શિંદે
તેમણે વધુમાં કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના અઢી વર્ષ અને અમારા દોઢ વર્ષનો હિસાબ કરીને જોઇ લેજો. જ્યારથી મહાયુતિની સરકાર આવી છે ત્યારથી લોકોના હિતનું કામ શરૂ થઇ ગયું છે. એટલા માટે અમારી સરકાર પ્રિય બની ગઇ છે.
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણ દરમિયાન આડકતરી રીતે એકનાથ શિંદે પર નિશાન સાધતા કહ્યું હતું કે જે લોકો તેમનો પક્ષ છોડીને ગયા છે તેમનો આ પક્ષમાં ફરીથી પ્રવેશ નહીં થાય. રાજ્યની જનતા ભાજપને અને શિંદે જૂથની શિવસેનાને તેમનું સ્થાન દેખાડી દેશે. દોઢ જ મહિનામાં આ વિશ્વાસઘાતી લોકો અમારી પાસે નોકરી માટે આવશે, કારણ કે તે બેરોજગાર થઇ જશે.