બાંગ્લાદેશમાં ફસાયેલા રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સક્રિય
વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના પરત આવવા માટે વિદેશ મંત્રાલય સાથે ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાંગ્લાદેશમાં નાગરિક અશાંતિના પગલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ત્યાં અટવાયેલા રાજ્યના વિદ્યાર્થીઓની સલામતી અને તેમના વતન પરત ફરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેતાં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં અશાંતિને પગલે વિદેશી નાગરિકો ખાસ કરીને મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પ્રશ્ર્નો ઊભા કર્યા છે. આ પૃષ્ઠભૂમિમાં એકનાથ શિંદેએ ત્યાં ભણતા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.
મુખ્ય પ્રધાને વિદેશ મંત્રાલય સાથે વાત કરી છે અને બાંગ્લાદેશમાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તમામ શક્ય સહાય પૂરી પાડવા વિનંતી કરવામાં આવે છે. તેમની તાત્કાલિક સલામતી સુનિશ્ર્ચિત કરવા અને જો જરૂરી હોય તો તેમને બાંગ્લાદેશમાં સલામત સ્થળે સ્થાનાંતરિત કરવા અથવા તેઓની સુરક્ષિત ભારત પરત ફરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ચર્ચા કરી છે.
આ પણ વાંચો : “બાંગ્લાદેશના હિન્દુઓને માટે ભારતે દ્વાર ખોલવા જોઈએ” ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી અપીલ
બાંગ્લાદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ વિશે માહિતી મેળવવા અને તેમને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે હાલમાં બાંગ્લાદેશમાં રહેલા રાજ્યના વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને વિદેશ મંત્રાલયને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેથી આ વિદ્યાર્થીઓનો તાત્કાલિક સંપર્ક કરી મદદ પૂરી પાડવાનું શક્ય બનશે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંની સ્થિતિ પર નજર રાખવા અને કેન્દ્રીય અધિકારીઓ અને અસરગ્રસ્ત પરિવારો સાથે સંપર્કમાં રહેવા માટે એક ટીમ પણ બનાવવામાં આવી છે. બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પગલાં લઈ શકાય.
શિંદેએ કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમના વતન પરત ફરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર આ પડકારજનક સમયમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓના પરિવારોની સાથે ઊભી છે.