નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના પર્યટકોને પાછા લાવવા કાશ્મીર પહોંચ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યના કાશ્મીરમાં અટવાયેલા પર્યટકોને પાછા લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બુધવારે શ્રીનગર જવા માટે રવાના થઈ ગયા હતા.
રાજ્યના કેટલાક પ્રવાસીઓ અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અટવાયેલા છે. જ્યાં આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થયાં છે.
આ પણ વાંચો: મોદી સરકાર પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે: ફડણવીસ
શિંદે પોતે કાશ્મીર જવા રવાના થયા છે, જેથી ત્યાં ફસાયેલા રાજ્યના પર્યટકોને પાછા લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય. એક ખાનગી વિમાનમાં તેઓ શ્રીનગર જવા રવાના થયા હતા, એમ નાયબ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
શિંદે કાશ્મીરમાં રઝળી પડેલા પર્યટકોને મળશે અને સ્થાનિક સ્થિતિની જાણકારી મેળવશે અને પર્યટકોને પાછા લાવવા માટેની વ્યવસ્થા કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના 182 પર્યટકોને બે ફ્લાઈટમાં શ્રીનગરથી પાછા લવાશે: કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળ
કેન્દ્રીય નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન મુરલીધર મોહોળે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાંથી 182 પર્યટકોને બે ફ્લાઈટમાં ગુરુવારે પાછા લાવવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એર ઈન્ડિયા અને ઈન્ડીગોની એક-એક વિશેષ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે, જેમાં પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ફસાયેલા પર્યટકોને પાછા લાવવામાં આવશે. પુણેના સંસદસભ્ય મોહોળે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયોમાં જણાવ્યું હતું.
રાજ્ય સરકાર આ પર્યટકોને પાછા લાવવાનો ખર્ચ ઉઠાવશે, એવી માહિતી પણ તેમણે આપી હતી.