મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના રાજકારણમાં કોણ મિત્ર કોણ શત્રુઃ સાથી પક્ષને દબાણમાં રાખવાની તમામ પક્ષોની કવાયત

મહારાષ્ટ્રનું રાજકારણ એવું પેચીદુ બની ગયું છે કે ક્યારે શું બની જાય કંઇ કહેવાય નહી. હજી માંડ ત્રણેક મહિના પહેલા વિધાન સભાની ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી વચ્ચે ઊગ્ર સંઘર્ષ જોવા મળ્યો હતો, પણ જ્યારે પરિણામ આવ્યા ત્યારે મહાયુતિને ભવ્ય જીત મળી અને તેમણે રાજ્યમાં સરકાર પણ બનાવી લીધી. હવે રાજ્યમાં ફરી સત્તાના સમીકરણો બદલાઇ રહ્યા છે.

હવે જોવા જઇએ તો રાજ્યમાં કોઇને કોઇથી કંઇ ભય નથી અને હવે દરેક વ્યક્તિ ડરમાં છે. એટલે કે મહારાષ્ટ્રનું રાજકારણ આજકાલ એવા સમયમાંથી પસાર થઇ રહ્યું છે કે અહીં કોણ કોનું દુશ્મન છે અને કોઇ કોનું મિત્ર છે એ કંઇ કળાતું જ નથી. કાલના દુશ્મન આજે દોસ્ત બની ગયા છે અને સાથી પક્ષોની અંદર કિટ્ટા-બુચ્ચા ચાલી રહ્યા છે. જ્યારે મહાવિકાસ આઘાડીના સભ્ય શરદ પવારે દિલ્હીમાં એકનાથ શિંદેનું સન્માન કર્યું ત્યારે ઠાકરે સેના ગુસ્સે થઇ ગઇ હતી અને જણાવ્યું હતું કે આવા એવોર્ડ તો ખરીદવામાં આવતા હોય છે. આવા એવોર્ડનો કોઇ મતલબ જ નથી.

દરમિયાન ઉદ્ધવ સેનાના નેતાઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળી રહ્યા છે અને તેમની પ્રશંસા કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેએ તેમનો પક્ષ તોડ્યો એ બદલ તેમને તેમનું સ્થાન બતાવવાની આ યોગ્ય તક લાગે છે અને તેઓ તેને જતી કરવા માગતા નથી. તેથી તેઓ ફડણવીસની પ્રશંસા અને શિંદેને વખોડવાની એક પણ તક જતી કરતા નથી.

હવે શાસક પક્ષમાં જોઇએ તો તેઓ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા અને વિધાનસભામાં 288માંથી 230 બેઠકો જીતી હતી. પરિણામ બાદ શિંદે જૂથ મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન જેવા મલાઇદાર પદો માટે લોબિંગ કરી રહ્યા હતા, જોકે, તેઓ સફળ નહોતા થયા. હવે બીએમસીની ચૂંટણીમાં તેઓ ભાજપને પોતાની તાકાત બતાવવા માગે છે.

મુંબઇ, પુણે, થાણેમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. છેલ્લા અઢી મહિનામાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પક્ષને નેતાઓએ ફડણવીસ સાથે ત્રણેક વાર મુલાકાત કરી છે. ઉદ્ધવ પણ તેમને મળવા ગયા હતા. એ સિવાય અન્ય ઘણા નેતાઓ પણ ફડણવીસને મળ્યા હતા. આદિત્ય ઠાકરે બે વાર ફડણવીસને મળ્યા છે. જેયારે શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ ઠાકરે સેનાના સતત નિશાના પર હતા. ઉદ્ધવ સેના તેમના પર પાર્ટી તેમના પર પક્ષ તોડવાનો આરોપ લગાવતી હતી, પણ હવે તેમના સૂર બદલાયા છે. આ ઉપરાંત હવે ફડણવીસ પણ તાજેતરમા રાજ ઠાકરેને મળ્યા હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં લવ જેહાદ, બળજબરી ધર્માંતરણ પર બનશે કડક કાયદો; સરકારે કરી સમિતિની રચના…

રાજકીય વિશ્લેષકો જણાવે છે કે બંને પક્ષો પોતાના સાથી પક્ષોને દબાણમાં રાખવા માટે દુશ્મન પક્ષના નેતાઓ સાથે રમત રમી રહ્યા છે. બંને ટીમો પોતાની તાકાત માપી રહી છે અને ઉંડાઇનો કયાસ લગાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ સાથી પક્ષોને સંદેશ આપવા માગે છે કે તેમની પાસે વિકલ્પોની કમી નથી. તેથી માપમાં રહેજો નહીં તો મપાઈ જશો. આ જ કારણે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે અને અન્ય નેતાઓ ફડણવીસ અને શિંદે વચ્ચે દેખીતા મતભેદોનો ફાયદો ઉઠાવવાની કોશિશમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button