શિવસેનામાં અઢી-અઢી વર્ષ પ્રધાનપદ? એકનાથ શિંદેએ બધાને સંતુષ્ટ કરવા માટે ફોર્મ્યુલા ઘડી કાઢી હોવાની ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ જ્યારે શિવસેનાના મોટા ભાગના નેતાઓ પ્રધાનપદ માટે તલસી રહ્યા છે, ત્યારે મહાયુતિ સરકારમાં શિવસેના માટે આઠથી દસથી વધુ પ્રધાનપદ મળવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં પ્રધાન બનવા માગતા વિધાનસભ્યોની નારાજી દૂર કરવા માટે અઢી-અઢી વર્ષ માટે પ્રધાનપદની વહેંચણી કરવાની યોજના એકનાથ શિંદેએ ઘડી કાઢી હોવાનું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે.
મહાયુતિમાં ભાજપને 132 બેઠકો મળતા શિવસેનાનું સમગ્ર સમીકરણ બદલાઈ ગયું છે. એકનાથ શિંદેનું મુખ્ય પ્રધાનપદ ગયું છે. દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં કેટલા પ્રધાનપદો આપવામાં આવશે તે હજુ નક્કી થયું નથી. એવું લાગે છે કે શિંદે સરકારના બધા પ્રધાનોને ફરીથી પ્રધાન બનવું છે. બીજી તરફ ગયા વખતે તક ગુમાવનારાઓ પણ આ વખતે મંત્રાલય ઈચ્છે છે. વિધાનસભ્યોની મહત્વકાંક્ષાઓને કારણે શિંદેનો માથાનો દુખાવો વધી ગયો છે. તેમને નેતાઓને સંતુષ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ભરત ગોગાવલે અને પ્રતાપ સરનાઈકે ખુલ્લેઆમ એવી માગણી કરી છે કે તેમને પ્રધાનપદ મળવું જોઈએ, જ્યારે અન્ય કેટલાક વિધાનસભ્યો દબાયેલા અવાજમાં આવી ચર્ચા કરી રહ્યા છે. ગોગાવલેએ એવું નિવેદન પણ કર્યું હતું કે શિંદે સરકારમાં રહી ચૂકેલા પ્રધાનોને આ વખતે દૂર રાખવા જોઈએ અને નવા ચહેરાઓને તક આપવી જોઈએ. બીજી તરફ સંજય શિરસાટ પણ પ્રધાન બનવા માગે છે.
આ પણ વાંચો : મુંબઈ ભાજપના અધ્યક્ષ બદલાશે? ફડણવીસના વફાદાર સુનિલ રાણેને મુંબઈ અધ્યક્ષ બનાવવામાં આવે એવી અટકળો…
અબ્દુલ સત્તાર, સંજય રાઠોડ, તાનાજી સાવંત અને દીપક કેસરકરને ફરીથી પ્રધાનપદ ન આપવું જોઈએ તેવું વલણ ભાજપે અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમાં શિંદે તાનાજી સાવંતનો આગ્રહ રાખી રહ્યા છે. અબ્દુલ સત્તાર સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ છે. જો સત્તારને પ્રધાનપદ નકારવામાં આવશે તો તેઓ લડ્યા વિના નહીં રહે. રાઠોડની પાછળ તેમના સમાજની તાકાત છે એ બાબતને ધ્યાનમાં લેતાં શિંદે માટે તેમને હટાવવા મુશ્કેલ બનશે. તેની સરખામણીમાં શિવસેનાનું માનવું છે કે કેસરકર બહુ કંઈ નહીં કરે.
એક ઉચ્ચ કક્ષાના સૂત્રે જણાવ્યું હતું કે આઉટગોઇંગ પ્રધાનોની નારાજગી અને પ્રધાનપદ ન મેળવનારા નેતાઓની મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને શિંદેએ અઢી-અઢી વર્ષ માટે પ્રધાનપદની વહેંચણી કરવાનો નિર્ણય લીધો છે. આ મુજબ જેમને પ્રથમ તક મળશે તેઓની પાસેથી અઢી વર્ષ પછી રાજીનામું લઈને બીજા તબક્કામાં નવા વિધાનસભ્યોને પ્રધાનપદ આપવામાં આવશે. અલબત્ત, શિંદેનો આ ઉકેલ વિધાનસભ્યોને ક્યાં સુધી પચાવશે તે અંગે શંકા છે.
શિવસેના શિંદે જૂથના 57 વિધાનસભ્યો ચૂંટાયા છે. શિંદેના બળવાને ટેકો આપનારા ઘણોની નજર પ્રધાનપદ પર છે. શિંદેએ ભૂતકાળમાં નારાજગી ટાળવા માટે કેબિનેટનું વિસ્તરણ કરવાનું ટાળ્યું હતું. હવે પણ તમામને સંતુષ્ટ કરવાનો મોટો પડકાર હશે.