આ કારણે મેટ્રો-3ના કામમાં થયો ચાર હજાર કરોડ રૂપિયાનો વધારો…
મુંબઈઃ કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો-3ના ખર્ચમાં એક વર્ષમાં આશરે રૂપિયા ચાર હજાર કરોડનો વધારો થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકલ્પનો ખર્ચ 2022માં 33 હજાર 405 કરોડ રૂપિયા હતો અને હવે તે વધીને 37 હજાર 276 કરોડ થઈ ગયો છે, એવી માહિતી સૂત્રોએ આપી હતી.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી) દ્વારા હાલમાં 33.5 કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ટ મેટ્રો રૂટનું કામ ચાલી રહ્યું હતું. મેટ્રો-3નું કામ પૂરું થઈને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લુ મૂકવાનું અપેક્ષિત હતું, પરંતુ આરે કારશેડનો વિવાદ, વૃક્ષ કાપવા, વિસ્થાપન, પુનર્વસન અને ટેક્નિકલ મુશ્કેલીઓને કારણે આ પ્રોજેક્ટને વિલંબ થયો હતો.
બીજી બાજુ બધા કારણોને લીધે જ પ્રોજેક્ટના ખર્ચામાં વધારો થઈ રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ રૂટનો મૂળ ખર્ચ 23 હજાર 136 કરોડ રૂપિયા હતું પરંતુ 2022માં આ ખર્ચ વધીને 33 હજાર 405 કરોડ થઈ ગયો હતો એટલે કે 2022 સુધીમાં મૂળ ખર્ચમાં જ 10 હજાર કરોડનો વધારો જોવા મળ્યો હતો. આરે કારશેડનો વિવાદ, વૃક્ષ કાપવા, વિસ્થાપન, પુનર્વસન જેવા ટેક્નિકલ કારણોસર પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો હતો અને એક વર્ષ બાદ એટલે કે 2023માં આ ખર્ચમાં વધુ ચાર હજાર કરોડનો વધારો થઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે.
મેટ્રો-થ્રીનું કામ હાલમાં એકદમ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં પહેલાં તબક્કાનો બીકેસી-આરે વચ્ચેનું કામ 91 ટકા પૂરું થઈ ગયું છે. આ પહેલા તબક્કાનું કામ આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર, 2023 સુધીમાં પૂરું થઈ જશે અને બીકેસી-કોલાબા વચ્ચેનું કામ જૂન, 2024 સુધી પૂરું કરવાનું લક્ષ્ય એમએમઆરસી દ્વારા રાખવામાં આવ્યું છે.