ચા-બિસ્કીટ ના મળતા ડોક્ટરે કર્યું કંઇક એવુ કે…..
નાગપુરઃ ચાનું વ્યસન ઘણાને હોય છે. લોકો આ વ્યસન છોડી શકતા નથી. ચા પીધા વિના તેમને ચાલતું જ નથી. ચાની તલબ લાગે ત્યારે લોકો પોતાની બાઇક પર બેસીને કેટલાય કિલોમીટર દૂર આવેલી પોતાની મનપસંદ ચાની ટપરી પર પણ જતા હોય છે, પરંતુ ચા પીવા માટે ઓપરેશનને અધવચ્ચે જ છોડી દેનાર ડોક્ટરનું એક અલગ જ કારનામું સામે આવ્યું છે. આ ઘટના મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં બની છે. ચા બિસ્કિટ સમયસર ન મળતાં ડોક્ટર ઓપરેશન કર્યા વિના જ ચાલ્યા ગયા હતા. આનાથી એનેસ્થેસિયા મેળવનાર ચાર મહિલા દર્દીઓમાં રોષ ફેલાયો છે. આ મામલે જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
ઘટનાની વિગત મુજબ ગ્રામીણ હોસ્પિટલમાંથી ચાર મહિલાઓને ફેમિલી પ્લાનિંગ સર્જરી માટે એનેસ્થેસિયા બાદ બહાર કાઢવામાં આવી હતી. ચા બિસ્કિટ ન મળવાના કારણે ડોક્ટરે સર્જરી કરવાની ના પાડી હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પહેલેથી જ આરોગ્ય સુવિધાઓની અછત છે ત્યારે તબીબોની આ અસંવેદનશીલતાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટના 3 નવેમ્બરના રોજ જિલ્લાના મૌડા તાલુકાના ખાટ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની હતી. ખાટના કેન્દ્રમાં તેઓ કુટુંબ નિયોજન માટે આઠ મહિલાઓની સર્જરી કરવા જઈ રહ્યા હતા. તેણે આમાંથી ચાર મહિલાઓનું ઓપરેશન કર્યું હતું.
બાદમાં તેણે અન્ય ચાર મહિલાઓનું ઑપરેશન કરવાની ના પાડી દીધી હતી. જોકે, કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને સિનિયરોએ બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરી હતી.
ચા બિસ્કિટનું બહાનું બતાવી ઑપરેશન નહીં કરનાર ડૉક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમને ડાયાબિટીસ છે અને તે માટે એમને સમયસર ચા બિસ્કિટ લેવાની જરૂર હોય છે. તેના વિના તેમનું બ્લડ સુગર લેવલ ઘટી જાય છે અને બ્લડ પ્રેશર પણ ઘટી જાય છે.
જોકે, ડૉક્ટરને કારણે જે મહિલાઓને અગવડ વેઠવી પડી તેમના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સારવાર કેન્દ્રમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કેસની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અજય દાવલેએ તપાસના મૌખિક આદેશ આપ્યા છે. આ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.