કેસર કેરીની નિકાસમાં ગુજરાતને પાછળ છોડી મહારાષ્ટ્રનો વાગશે ડંકો
મુંબઇઃ મહારાષ્ટ્રનો ધારશિવ જિલ્લો (ઉસ્માનાબાદ) તેની દ્રાક્ષની નિકાસ માટે જાણીતો છે. અહીંની દ્રાક્ષ દુનિયાભરમાં વખણાય છે. દ્રાક્ષને વિશ્વના ખુણેખુણે પહોંચાડ્યા બાદ હવે ફરી એક વાર ધારશિવ જિલ્લો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે તૈયાર છે, આ વખતે આ જિલ્લામાંથી કેરીની નિકાસ થશે.
દ્રાક્ષની નિકાસમાં ડેકો વગાડ્યા બાદ હવે ધારશિવ કેસર કેરીની નિકાસમાં ડંકો વગાડવા તૈયાર છે. ધારશિવમાં હવે કેસર કેરીનું ઉત્પાદન પણ મોટા પાયે થઇ રહ્યું છે અને અહીંની કેસર કેરીઓ હવે વિશ્વભરના કેસર કેરીના પ્રેમીઓના દિલ પર રાજ કરશે. જે રીતે અહીંના ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન વધારી રહ્યા છે એ જોતા એ દિવસ હવે દૂર નથી જ્યારે કેસર કેરીની નિકાસમાં ધારશિવ ગુજરાત રાજ્યને પાછળ છોડી દે.
મહારાષ્ટ્રમાંથી કેરીની નિકાસ માટે નોંધણી શરૂ થઇ ગઇ છે અને એમાં સૌથી વધુ કેસર કેરીની નિકાસની નોંધણી ધારશિવમાંથી થઇ છે. આમ કોંકણ બાદ હવે મરાઠવાડ પ્રાંતનો ધારશિવ જિલ્લો મેંગો હબ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે.
મરાઠવાડના આ જિલ્લાનો આજે પણ એક પછાત વિસ્તાર તરીકે ઉપહાસ કરવામાં આવે છે, પણ હવે નજીકના ભવિષ્યમાં જ આ જિલ્લાની તાસીર બદલાઇ જશે. અહીંના ખેડૂતોએ તેમના દ્રઢ નિર્ધાર અને પ્રયાસો દ્વારા ધારશિવને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક અલગ ઓળખ અપાવવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો : શોકિંગઃ મહારાષ્ટ્રમાં બાવીસ દિવસમાં 11 વાઘનાં મોત, વાઈલ્ડલાઈફ લવર્સ ચિંતામાં
આંતરરાષ્ટ્રીય સ્તરે કેરીની નિકાસ માટે ઓનલાઇન નોધણીનું કામ હાલમાં ચાલુ છે. નિકાસ માટે સારો ભાવ મળે તે માટે નોંધણી જરૂરી છે. આ નોંધણીમાં કેસર કેરીની નિકાસ માટે ધારશિવ ટોચ પર છે. અહીંના ખેડૂતો હવે તેમની નિકાસ માટે બીજા પર આધાર રાખ્યા વિના ઓનલાઇન નોંધણી કરાવીને ચિંતામુક્ત તો થઇ જ રહ્યા છે અને ઉપરાંત નિકાસનો દોઢથી બે ગણો દર પણ મેળવી રહ્યા છે. ખેડૂતો માટે આ વિન-વિન સિચ્યુએશન જેવું જ છે. તેથી જ છેલ્લા પાંચ વર્ષમાં ધારશિવમાં કેરીના વિસ્તારમાં સાતસો ગણો વધારો થયો છે.
ધારશિવની દ્રાક્ષની ગુણવત્તા ઘણી સારી હોવાથી તેણે યુરોપિયન બજારમાં નામ કમાવ્યું છે. હવે તેઓ કેસર કેરીની નિકાસ દ્વારા પણ પોતાનો ડંકો વગાડશે એમાં કોઇ શંકા નથી.