અમે કોઈના માટેના ક્વોટાનો વિરોધ કરતા નથી: ઓબીસી આંદોલનકારીઓને મળ્યા બાદ પ્રધાન ધનંજય મુંડેની સ્પષ્ટતા

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ મંગળવારે કહ્યું હતું કે સરકાર કોઈ પણ સમાજના અનામતની વિરુદ્ધ નથી અને ઓબીસી ક્વોટાના રક્ષણ માટે આંદોલન કરી રહેલા બે કાર્યકરોની માગણીઓ સરકાર સમક્ષ રાખવામાં આવશે.
ઓબીસી ક્વોટા હેઠળ મરાઠા સમાજને અનામત આપવાની માગણી થઇ રહી છે તેનો વિરોધ કરવા માટે ઓબીસી સમાજના બે કાર્યકરો મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં ઉપવાસ પર બેઠા છે.
સોમવારે એનસીપીના નેતા ધનંજય મુંડે તેમના પિતરાઈ ભાઈ અને ભાજપના નેતા પંકજા મુંડે સાથે ઓબીસી કાર્યકર્તા લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારેને મળ્યા હતા જેઓ જાલના જિલ્લાના વાડીગોદરી ગામમાં 13 જૂનથી ઉપવાસ પર બેઠા છે.
ઓબીસી કાર્યકરોએ સરકાર પાસેથી લેખિત ખાતરી માંગી છે કે તેમના ક્વોટાને અસર થશે નહીં.
આ પણ વાંચો : દુકાળની સ્થિતિમાં કૃષિ પ્રધાન વિદેશ ચાલ્યા ગયા,ધનંજય મુંડેના વિદેશ પ્રવાસ પર કૉંગ્રેસનો નિશાનો
અમે કોઈને અનામત આપવાનો વિરોધ કરતા નથી. રાજ્ય સરકારે પણ ઘણી વખત તેની સ્પષ્ટતા કરી છે. પરંતુ તે પછી પણ સમુદાયો વચ્ચે ગેરસમજ ઊભી થઈ રહી છે, તેથી સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ (ક્વોટા) મુદ્દે શું થવાનું છે અને તે તમામ સમુદાયોને જણાવવું જોઈએ, એમ કૃષિ પ્રધાને આંદોલનકારીઓને મળ્યા પછી કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ગેરસમજણો શક્ય તેટલી ઝડપથી દૂર થવી જોઈએ.
અમારા બે આંદોલનકારીઓ (હાકે અને વાઘમારે)ની માંગણીઓ સરકાર સમક્ષ રાખવામાં આવશે. સરકારે આ બે આંદોલનકારીઓની માંગણીઓનું સન્માન કરવું જોઈએ. આ રાજ્ય અને દેશમાં અગાઉના આંદોલનોને જે સન્માન મળ્યું છે તે આ આંદોલન અને માંગણીઓને પણ મળવું જોઈએ એમ ધનંજય મુંડેએ કહ્યું હતું.