મહારાષ્ટ્ર

ફડણવીસે તુળજા ભવાની મંદિરની મુલાકાત લીધી, મંદિરમાં પુન:સ્થાપન કાર્યની સમીક્ષા કરી

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ધારાશિવ જિલ્લામાં આવેલા પવિત્ર તુળજા ભવાની મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરમાં ચાલી રહેલા પુન:સ્થાપન અને સમારકામની સમીક્ષા કરી હતી, એમ એક અધિકારીએ માહિતી આપી હતી.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મંદિર પરિસરના પુન:વિકાસની યોજના તૈયાર કરવામાં આવી છે, અને તેમાં કેટલાક ‘તકનીકી પાસાઓ’ ઉમેરવામાં આવશે. ‘પુન:વિકાસ પ્રોજેક્ટ માટે ભંડોળ પણ પૂરું પાડવામાં આવશે,’ એમ તેમણે કહ્યું હતું.
દેવી તુળજા ભવાનીને સમર્પિત 12મી સદીનું મંદિર તુળજાપુરમાં આવેલું છે અને રાજ્યભરમાંથી અને બહારથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. રાજ્યનો પુરાતત્વ વિભાગ તેની જાળવણી કરે છે.

આ પણ વાંચો: પ્રસિદ્ધ તુળજાભવાની મંદિર ટ્રસ્ટનો એકાઉન્ટ્સ ઑફિસર લાંચ લેતાં ઝડપાયો

મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુલાકાત દરમિયાન ફડણવીસ ભવાની મંડપ, શિવાજી મહારાજ પ્રવેશદ્વાર અને દેવી તુળજા ભવાનીના મુખ્ય મંદિરમાં ગયા હતા, જ્યાં તેમણે જાળવણીના પ્રયાસોની સમીક્ષા કરી.

તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાનને પુન:સ્થાપન કાર્ય વિશે પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું, ફડણવીસ બાદમાં હેલિકોપ્ટરમાં સોલાપુર જિલ્લાના અન્ય મંદિર પંઢરપુર ગયા હતા.

દરમિયાન, મંદિરને એક અનામી ભક્ત પાસેથી લગભગ 1 કરોડ રૂપિયાના 11 સોનાના બિસ્કિટ મળ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

દર અઠવાડિયે મંદિરની દાનપેટીઓ સોમવાર, બુધવાર અને શુક્રવારે સીસીટીવીની દેખરેખ હેઠળ ખોલવામાં આવે છે. શુક્રવારે ખોલવામાં આવેલી દાનપેટીઓમાંથી એકમાંથી 100 ગ્રામ વજનના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, એમ ચેરિટી કમિશનર ઓફિસના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button