ભૂપતિની શરણાગતિ મહારાષ્ટ્રમાં નક્સલવાદના અંતનો પ્રારંભ: ફડણવીસ…

ગઢચિરોલી (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રમાં જ્યેષ્ઠ નક્સલવાદી ભૂપતિએ 60 અન્ય સાથીઓ સાથે બુધવારે શરણાગતિ સ્વીકારી તે અત્યાર સુધીની સૌથી મોટી શરણાગતિ છે અને આ શરણાગતિ જેની સામે સ્વીકારવામાં આવી તે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આને રાજ્યમાં ‘નક્સલ ચળવળના અંતનો પ્રારંભ ગણાવ્યો’ હતો.
બુધવારે ગઢચિરોલીમાં મુખ્ય પ્રધાન ફડણવીસે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘આગામી દિવસોમાં, છત્તીસગઢ, તેલંગણામાં આખો ‘રેડ કોરિડોર’ નક્સલવાદથી મુક્ત થઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રનું ગઢચિરોલી ગેરકાયદે સીપીઆઈ (માઓવાદી) સામેની લડાઈનું નેતૃત્વ કરી રહ્યું છે તે ગૌરવ લેવા જેવી બાબત છે.
ગઢચિરોલી જિલ્લામાં વરિષ્ઠ નક્સલવાદી મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે ભૂપતિએ 60 અન્ય કાર્યકરો સાથે તેમની સમક્ષ આત્મસમર્પણ કર્યા પછી મુખ્ય પ્રધાને એક સભાને સંબોધિત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂપતિ પર છ કરોડ રૂપિયાનું ઇનામ હતું.
અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ તેમના 54 શસ્ત્રો સાથે શરણાગતિ સ્વીકારી હતી, જેમાં સાત એકે-47 અને નવ ઈન્સાસ (આઈએનએસએએસ) રાઇફલનો સમાવેશ થાય છે. ભૂપતિ ઉર્ફે સોનુ માઓવાદી સંગઠનમાં સૌથી પ્રભાવશાળી રણનીતિકારોમાંના એક માનવામાં આવતા હતા અને મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર લાંબા સમયથી પ્લાટૂનની કામગીરીનું નિરીક્ષણ કરતા હતા.

ફડણવીસે કહ્યું હતું કે મુઠ્ઠીભર નક્સલવાદીઓ બાકી છે અને તેમણે પણ આત્મસમર્પણ કરવું જોઈએ અથવા પોલીસ કાર્યવાહીનો સામનો કરવો જોઈએ. તેમણે એવો સંતોષ વ્યક્ત કર્યો હતો કે ગઢચિરોલી દેશમાં નક્સલવાદ સામેની લડાઈનું નેતૃત્વ કરી રહ્યું છે.
ગઢચિરોલીના અહેરી અને સિરોંચામાં નક્સલવાદી ચળવળને ઉભું કરનારા અને છ કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા ભૂપતિ અને 60 સાથીઓની શરણાગતિ એક મોટી ઘટના છે, એમ ફડણવીસે કહ્યું હતું. નક્સલવાદીઓએ જાણવું જોઈએ કે તેઓ વૈચારિક યુદ્ધ હારી ગયા છે, અને સમાનતા અને ન્યાય ફક્ત મુખ્ય પ્રવાહમાં જોડાવા અને ભારતીય બંધારણનું પાલન કરીને જ પ્રાપ્ત કરી શકાય છે, એમ તેમણે કહ્યું.
છત્તીસગઢમાં રહેલા બાકીના કાર્યકરો પણ સમજી ગયા છે કે તેઓ વૈચારિક યુદ્ધ હારી ગયા છે અને તેઓ જે સપનાઓનો પીછો કરી રહ્યા હતા તે ખોટા હતા. તેમણે કહ્યું કે તેઓ સમજી ગયા છે કે ફક્ત ભારતીય બંધારણ જ તેમને ન્યાય આપી શકે છે.

ફડણવીસે કહ્યું કે તેમનું માનવું છે કે આગામી દિવસોમાં, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ 100 થી વધુ કાર્યકરો શરણાગતિ સ્વીકારશે, અને કહેવાતા ‘લાલ કોરિડોર’માં નક્સલવાદનો અંત આવશે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ‘મારા માટે ગર્વની ક્ષણ છે કે તેની શરૂઆત ગઢચિરોલી અને મહારાષ્ટ્રથી થઈ છે.’
તેમણે એવી ખાતરી આપી હતી કે જેમણે શરણાગતિ સ્વીકારી છે તેમનું સન્માન સાથે પુનર્વસન કરવામાં આવશે.
છેલ્લા 10 વર્ષોમાં, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સુનિશ્ર્ચિત કર્યું છે કે વહીવટ અને વિકાસ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને નક્સલવાદીઓને ફક્ત બે જ વિકલ્પો આપ્યા છે, કાં તો શરણાગતિ સ્વીકારો અને મુખ્ય પ્રવાહમાં જોડાઓ અથવા પરિણામોનો સામનો કરો, તેમણે કહ્યું. (પીટીઆઈ)
આ પણ વાંચો…ગઢચિરોલીમાં જ્યેષ્ઠ નક્સલવાદી ભૂપતિ, તેના અન્ય 60 સાથીદારે કર્યું આત્મસમર્પણ