પાટનગર પોલિટિક્સઃ દેવેન્દ્ર ફડણવીસે મોદી સાથેની ચર્ચાની વિગતો જણાવી!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં હાલમાં કેબિનેટ વિસ્તરણની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ પહેલા એકનાથ શિંદેએ સ્વીકાર્યું હતું કે તેઓ શપથ ગ્રહણ સમારોહના માત્ર બે કલાક પહેલાં જ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા માટે તૈયાર થયા હતા. તે પછી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એક જ સમયે દિલ્હીમાં હાજર છે, પરંતુ એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં જ છે. અજિત પવાર શરદ પવારને મળ્યા અને દેવેન્દ્ર ફડણવીસ પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. જેના કારણે રાજકીય વર્તુળમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો થવા લાગ્યા છે. આ તમામ ચર્ચાઓ પર ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખુલાસો કર્યો છે.
દિલ્હીમાં સભા, મોદીનો ગુપ્ત મંત્ર!
દેવેન્દ્ર ફડણવીસે રાજધાની દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથેની તેમની મુલાકાતની વિગતો જણાવી હતી. એક પરંપરા છે કે જ્યારે આપણે મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈએ, ત્યારે આપણે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સ્પીકરને મળવું પડે છે. તે મુજબ હું તેમને મળ્યો હતો. મેં આજે સવારે વડાપ્રધાન સાથે લાંબી ચર્ચા કરી હતી. તેમના આશીર્વાદ પણ લીધા હતા. તે સમયે અમે મહારાષ્ટ્રને લઈને કેટલીક ચર્ચાઓ પણ કરી હતી. વડા પ્રધાને મને કહ્યું છે કે, દેશની અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ મહારાષ્ટ્ર ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. આ સ્થિતિને ગતિશીલ રાખવી ખૂબ જ જરૂરી છે. તે સંદર્ભમાં, વડા પ્રધાન મહારાષ્ટ્રને સંપૂર્ણ સમર્થન આપવા તૈયાર છે,’ એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો: કાકાની મુલાકાત બાદ અજિત પવાર અમિત શાહ અને ફડણવીસ-મોદીને મળતા રાજકારણ ગરમાયું…
‘બુધવારે હું પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટીના અન્ય અગ્રણી લોકોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દેવેન્દ્ર ફડણવીસે એવી પણ માહિતી આપી હતી કે તેમણે કેબિનેટ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ફડણવીસ-પવાર દિલ્હીમાં છે ત્યારે શિંદે કેમ નહીં?
દરમિયાન જ્યારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દિલ્હીમાં છે, ત્યારે એકનાથ શિંદે તેમની સાથે કેમ નથી? તેવી ચર્ચા શરૂ થઈ છે. દેવેન્દ્ર ફડણવીસે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, કૅબિનેટના વિસ્તરણમાં કોઈ તકલીફ નથી. અજિત પવાર પોતાના કામ માટે દિલ્હી આવ્યા છે. હું મારા કામ માટે આવ્યો છું. એકનાથ શિંદે તરત જ અહીં આવ્યા ન હતા કારણ કે તેમની પાસે કરવાનું કોઈ કામ નહોતું. તેથી તેઓ મુંબઈમાં છે અને અમે દિલ્હીમાં છીએ એવી ચર્ચાનો કોઈ અર્થ નથી. અજિત પવાર અને હું ગઈકાલથી દિલ્હીમાં હોવા છતાં એકબીજાને મળ્યા નથી. હું મારા પક્ષના નેતાઓને મળવા આવ્યો છું,’ એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
અમારું સંસદીય બોર્ડ, નેતાઓ નક્કી કરશે કે અમારી પાર્ટીના પ્રધાનો કોણ હશે. ચંદ્રશેખર બાવનકુળે અને હું બુધવારે અમારા નેતાઓને મળ્યા હતા. પ્રધાનપદાં પર પણ ચર્ચા થઈ છે. અમે દરેક વિભાગમાંથી પ્રધાનપદના ઉમેદવારો કોણ હોઈ શકે, કોને બનાવી શકાય તેની યાદી તૈયાર કરી છે. હવે ઉચ્ચ સ્તરે તેઓ નિર્ણય લેશે અને અમને જાણ કરશે. પ્રધાનપદની ફાળવણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. તમને ટૂંક સમયમાં બધી ખબર પડી જશે,’ એમ ફડણવીસે સૂચક નિવેદન આપ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેતી વખતે ગૃહ ખાતા પર ભાર મૂક્યો હતો. હજુ પણ એવી દલીલ કરવામાં આવી રહી છે કે શિંદે જૂથ ગૃહ ખાતા માટે આગ્રહ કરી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિની સામે, ગૃહ ખાતું કોની પાસે જશે? એવા સવાલ પર દેવેન્દ્ર ફડણવીસે વાત કરવાનું ટાળ્યું હતું અને જ્યારે પત્રકારોએ આ વિશે પૂછ્યું, ‘અરે, બાબા, થોડી રાહ જુઓ, આટલી ઉતાવળ કેમ કરો છો?’ બધું સ્પષ્ટ થઈ જશે એમ તેમણે કહ્યું હતું.