ઈવીએમનો વિરોધ: ફડણવીસે કોંગ્રેસને ચૂંટણીમાં હાર પર આત્મચિંતનની સલાહ આપી
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કોંગ્રેસને આત્મનિરીક્ષણ કરવા અને વિવિધ ચૂંટણીઓમાં પાર્ટીની હાર માટે અન્યોને દોષ આપવાનું બંધ કરવાની સલાહ આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી પાર્ટી આત્મનિરીક્ષણ નહીં કરે અને અન્યો પર દોષારોપણ કરવાનું બંધ ન કરે ત્યાં સુધી કોંગ્રેસ ચૂંટણીમાં પરાજિત થતી રહેશે.
ફડણવીસે એમ પણ કહ્યું હતું કે સરકાર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્ર્નોના જવાબ આપશે, પરંતુ શરત એ છે કે તેઓ મુદ્દાઓનું રાજકારણ ન કરે.
વિપક્ષના સભ્યોએ આ પહેલાં નાગપુરમાં વિધાન ભવનના પગથિયા પર પ્રદર્શન કર્યું હતું અને રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ઈવીએમનો ચૂંટણીમાં ઉપયોગ કરવા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ કોંગ્રેસ પાર્ટી (ચૂંટણી) હારે છે, ત્યારે તે આત્મનિરીક્ષણ કરવાને બદલે અન્યને દોષી ઠેરવે છે. જ્યાં સુધી તેઓ આત્મનિરીક્ષણ કરશે ત્યાં સુધી તેઓ હારતા રહેશે.’
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ આજે બપોરે પછી ભાવિ મંત્રીઓને ફોન કરશે; આવતીકાલે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ
અહીં ઉલ્લેખનીય છે કે રવિવારે ફડણવીસે એમ કહ્યું હતું કે, વિપક્ષે મીડિયાના માધ્યમથી બોલવાને બદલે વિધાનસભામાં તેમના મુદ્દાઓ ઉઠાવવા જોઈએ, વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ આ મુદ્દે તેમની ટીકા કરતાં કહ્યું હતું કે, વિપક્ષ ચર્ચા માટે તૈયાર છે પરંતુ અપેક્ષા રાખે છે કે સરકાર જૂઠું ન બોલે.
દાનવેની ટીકાના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે, ‘દાનવે અથવા વિપક્ષના અન્ય કોઈ સભ્ય તેમને ગમે તે મુદ્દા પર ચર્ચા અને વાર્તાલાપ શરૂ કરી શકે છે, સરકાર તેમના પ્રશ્ર્નોના જવાબ આપવા સક્ષમ છે. મારી સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી.’
જો વિરોધ પક્ષો રાજકારણ જ રમવા માંગતા હોય, તો તેમને રાજકીય જવાબો જ મળશે, એમ પણ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.
ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, તબલાવાદક ઝાકિર હુસૈને તબલાને વૈશ્ર્વિક ઓળખ આપી હતી અને તેમના નિધનથી એક મોટો શૂન્યાવકાશ સર્જાયો છે. (પીટીઆઈ)