દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીને ફેંક્યો પડકાર, તો જાહેર કરો…

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો પોતપોતાના સ્તરે તૈયારીઓમાં વ્યસ્ત છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે ‘મહાયુતિ’ એ છેલ્લા બે વર્ષમાં સરકારની કામગીરીનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. આ સાથે તેમણે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે મહાવિકાસ અઘાડી પર ‘વિકાસ વિરોધી અભિગમ’ સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહા વિકાસ અઘાડી સીએમ ચહેરાની જાહેરાત કરી રહી નથી કારણ કે તેમને નથી લાગતું કે ચૂંટણી પછી તેમના સીએમ આવશે. તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારે મુખ્ય પ્રધાનના ચહેરાની જાહેરાત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અમારા મુખ્યપ્રધાન અહીં બેઠા છે. હું પવાર સાહેબને પડકાર આપું છું કે તેઓ મુખ્ય પ્રધાનના પદ માટે તેમના નામની જાહેરાત કરે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારે મુંબઈમાં તેમની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ‘મહાયુતિ’ સરકારનું રિપોર્ટ કાર્ડ બહાર પાડ્યું. આ દરમિયાન આરપીઆઈ (એ)ના વડા અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ હાજર રહ્યા હતા.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA માં સીટ વહેંચણી થઇ ગઇ! જાણો કોણ કેટલી બેઠક પરથી ચૂંટણી લડશે…
ફડણવીસે કહ્યું હતું કે અમે તમામ યોજનાઓની જાહેરાત કરી છે. તે યોજનાઓ માટે તમામ નાણાકીય જોગવાઈઓ અને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે અને એટલું જ નહીં, અમે અમારા મેનિફેસ્ટોમાં દરેક માટે કેટલીક નવી યોજનાઓ અને લાભોની પણ જાહેરાત કરીશું.
હું તમને ખાતરી આપું છું કે અમારા દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ યોજનાઓ અને વચનોને નાણાકીય જોગવાઈને સંપૂર્ણ સમર્થન મળશે અને કોઈપણ યોજનામાં અમારી તરફથી નાણાકીય સહાયમાં કોઈ કમી નહીં રહે.
શરૂઆતમાં જ્યારે અમે ‘લાડકી બહિન યોજના’ની જાહેરાત કરી ત્યારે વિપક્ષે દાવો કર્યો હતો કે ખાતામાં પૈસા જમા નહીં થાય, પરંતુ અત્યાર સુધીમાં રાજ્યના ૨.૫ કરોડથી વધુ લાભાર્થીના ખાતામાં ઓછામાં ઓછા ચારથી પાંચ હપ્તા જમા કરવામાં આવ્યા છે. અજિત પવારે કહ્યું હતું કે મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે તેમની સરકારની ‘લાડકી બહિન’ જેવી યોજનાઓને મળેલા જબરજસ્ત પ્રતિસાદથી તેમના વિરોધીઓ આશ્ચર્યચકિત છે.
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને પવારે વિપક્ષ પર ‘ખોટી વાતો’ ફેલાવવાનો આરોપ લગાવ્યો. શિંદેએ કહ્યું કે શાસક મહાયુતિ ગઠબંધનના નેતાઓ સામાન્ય માણસ માટે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. જયારે વિપક્ષી ગઠબંધન એમવીએ વિકાસ વિરોધી અભિગમ સાથે કામ કરી રહ્યું છે.