ભાજપના નેતાઓ પાસે 8 થી 10 બેઠકો માગી છે: રામદાસ આઠવલે
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ મંગળવારે કહ્યું હતું કે તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓને જાણ કરી છે કે તેમની પાર્ટી આરપીઆઈ (આઠવલે) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 8 થી 10 બેઠકો પર ચૂંટણી લડવા માગે છે.
આરપીઆઈ (આઠવલે) મહાયુતિનો એક ઘટક પક્ષ છે, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળ ભાજપ, શિવસેના અને અજિત પવારની એનસીપી મુખ્ય ઘટક પક્ષો છે.
આ પણ વાંચો: રામદાસ આઠવલેની રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
આરપીઆઈ (એ)ના વડાએ કહ્યું કે બેઠકોની વહેંચણીની વાટાઘાટો ચાલી રહી છે અને તેમણે ભાજપના મહારાષ્ટ્ર ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે તેમની પાર્ટીની માંગણીઓ વિશે વાત કરી હતી.
અમે તેમને સંદેશો આપ્યો કે આરપીઆઈ (એ)ને આઠથી દસ બેઠકો મળવી જોઈએ. મને અમારા સહયોગી પક્ષો ભાજપ, શિવસેના અને એનસીપીમાં વિશ્વાસ છે. આરપીઆઈ (એ)ની અલગ વોટ બેંક છે અને દલિત સમુદાયના ઘણા લોકો પાર્ટી સાથે છે, તેથી અમને સીટની વહેંચણીમાં યોગ્ય ભાગ મળવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: ‘મહાયુતિ’માં બેઠકો માટે ખેંચાખેંચીઃ આઠવલેએ કહ્યું અમારી આટલી છે માગણી…
આઠવલેએ સ્પષ્ટતા કરી હતી કે પાર્ટી માત્ર 8 થી 10 સીટો માંગી રહી છે, જેથી દરેક ક્ષેત્રમાં એક કે બે સીટ થાય છે, આનાથી પાર્ટીની તાકાતમાં વધારો થશે.
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે.
વર્તમાન વિધાનસભામાં ભાજપ 103 વિધાનસભ્ય સાથે એકમાત્ર સૌથી મોટો પક્ષ છે, ત્યારબાદ શિવસેના 40, એનસીપી 41, કોંગ્રેસ 40, શિવસેના (યુબીટી) 15, એનસીપી (એસપી) 13 અને અન્ય 29 વિધાનસભ્ય ધરાવે છે. કેટલીક બેઠકો ખાલી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ 6 ડિસેમ્બરે ડો બી આર આંબેડકરની પુણ્યતિથિની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે મુંબઈના પાલક મંત્રી દીપક કેસરકરને મળ્યા હતા.
પાલિકા અને રેલવેના અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ વર્ષે આ માટે લગભગ 11 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં આવનાર મુલાકાતીઓ માટે શિવાજી પાર્ક, ચૈત્ય ભૂમિ સહિત અન્ય સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)