જાલનામાં મરાઠા આરક્ષણ માટે પોતાને સળગાવી દેનારા યુવકનું મોત

જાલના: જાલના જિલ્લાના અંબડ તાલુકામાં પાથરવાલા બુદ્રુક ખાતે મરાઠા આરક્ષણની માગણી સાથે પોતાને સળગાવી દેનારા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
મૃતકની ઓળખ સૂરજ જાધવ તરીકે થઇ હોઇ તેણે 22 નવેમ્બરે સવારના પોતાના ઘરની બહાર શરીર પર કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. સૂરજની માતાએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે પણ 35થી 40 ટકા દાઝી ગઇ હતી.
દાઝી ગયેલા સૂરજને સારવાર માટે છત્રપતિ સંભાજીનગર સ્થિત ઘાટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને 1 ડિસેમ્બરે વહેલી સવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
સૂરજના મૃત્યુ બાદ જ્યાં સુધી મરાઠા સમાજને આરક્ષણ મળશે નહીં અને મુખ્ય પ્રધાન તથા નાયબ મુખ્ય પ્રધાન પાથરવાલા બુદ્રક ગામમાં આવશે નહીં ત્યાં સુધી સૂરજના અંતિમસંસ્કાર નહીં કરીએ, એવું વલણ તેના પરિવારજનોએ અપનાવ્યું હતું. આખરે તહેસીલદારે તેમને સમજાવ્યા હતા અને બાદમાં તેઓ અંતિમસંસ્કાર માટે તૈયાર થયા હતા.
સૂરજ જાધવ અંકુશનગર ખાતે યશવંતરાવ ચવ્હાણ ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો હતો.