આ તારીખે મમતા બેનરજી મુંબઈમાં આવશે, આ બે દિગ્ગજ નેતાને મળશે
મુંબઈઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મુંબઈના મોંઘેરા મહેમાન બનશે અને મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિક મર્ચન્ટના લગ્નમાં સામેલ થશે. મળેલી માહિતી મુજબ મમતા બેનર્જી 12 જુલાઇના રોજ યોજાનારા અનંત અંબાણીના લગ્ન સમારંભમાં હાજરી આપશે. જોકે, ત્યાર બાદ તે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારની મુલાકાત પણ લેશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ મમતા બેનર્જીની ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે આ પહેલી જ મુલાકાત હશે. તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યા અનુસાર મમતા બેનર્જી આગામી બજેટ સત્રની તૈયારી કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રણનીતિ ઘડવા માટે મમતા બેનર્જી ક્ષેત્રીય નેતાઓને મળી રહી હોવાનું કહેવાય છે. જોકે, મમતા બધા જ રાજ્યોની ક્ષેત્રીય પાર્ટીઓના નેતાને મળી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ સાથે મમતા બેનર્જી કોઇ મુલાકાત નથી કરી રહી એ વાત બધાને આંખે ઊડીને વળગી રહી છે અને મમતા અને કોંગ્રેસ વચ્ચે બધુ સમુ સૂતરું ન હોય તેવી ચર્ચા પણ થઇ રહી છે.
હાલમાં જ તૃણમુલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જી ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે તેમણે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તે ઉદ્ધવ ઠાકરેને મળવા માટે મુંબઈ રવાના થયા હતા.