મહારાષ્ટ્ર

એનસીપીનાં સાંસદ સુપ્રિયા સુળે પર આવી પડી આ મુશ્કેલી, પોલીસ હરકતમાં…

મુંબઈ: સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી છે ત્યારે સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ રાજકારણીઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. હાલમાં જ બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેનું વોટ્સએપ હેક થઇ ગયું હતું.
પોતાનું વોટ્સએપ હેક થયું હોવાની માહિતી પોતે સુપ્રિયા સુળેએ લોકોને આપી હતી તેમ જ તેમણે લોકોને ફોન કે મેસેજ ન કરવા વિનંતી પણ કરી હતી. પોતે આ વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોઇ તે પોલીસના સંપર્કમાં હોવાનું સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું.

સુપ્રિયા સુળેએ પોતાનું વોટ્સએપ અને ફોન હેક થઇ ગયો હોવાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલા ટ્વિટર) પર મૂકી હતી. આ મામલે પોલીસ પાસે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું પણ સુળેએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું.

પોલીસે સુપ્રિયા સુળેની ફરિયાદ નોંધીને તેમનો ફોન કઇ રીતે હેક થયો અને કોણે હેક કર્યો વગેરે તપાસ શરૂ કરી હતી. સુપ્રિયા સુળે મહારાષ્ટ્રના કદાવર નેતાઓમાંના એક છે અને તેમના પિતા શરદ પવાર રાષ્ટ્રીય સ્તરના નેતા છે ત્યારે આટલી મહત્ત્વની વ્યક્તિ ફોન હેકીંગનો શિકાર બની શકે છે ત્યારે સાયબર સિક્યોરિટી અને ફોન હેકીંગ બાબતે સામાન્ય નાગરીકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે.

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમથી બચવા માટે વિવિધ સૂચનાઓ બહાર પાડી છે જેનું પાલન કરવાથી લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા બચી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સુપ્રિયા સુળેએ પોતાના પિતરાઇ ભાઇ અજિત પવારના પત્ની સુનેત્રા પવારને હરાવ્યા હતા અને બારામતી વિસ્તારથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button