એટ્રોસિટી ઍક્ટ વિશે ટિપ્પણી કરનારી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળે સામે ગુનો
છત્રપતિ સંભાજીનગર: એસસી-એસટી (એટ્રોસિટી ઍક્ટ)નો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરી સમાજની ભાવના દુભાવવા બદલ મરાઠી અભિનેત્રી કેતકી ચિતળે વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
રાજ્યના બીડ જિલ્લામાં પરળી ખાતે 25મી ફેબ્રુઆરીએ ‘બ્રાહ્મણ એક્ય પરિષદ’ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ચિતળેએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં એટ્રોસિટી ઍક્ટ હેઠળ દાખલ થયેલા ગુનાઓમાંથી કેટલા સાચા છે તેની તપાસ થવી જોઈએ.
એટ્રોસિટી ઍક્ટ હેઠળ ખોટા કેસ દાખલ કરવાનું રૅકેટ ચાલતું હોવાથી માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ આ વિશે માહિતી પ્રાપ્ત કરવી જોઈએ, એમ કેતકીએ જણાવ્યું હતું.
અભિનેત્રી કેતકીનું વક્તવ્ય ઑનલાઈન સાંભળ્યા પછી સ્થાનિક રહેવાસી પ્રેમનાથ જગતકરે પરળી શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે ચિતળે અને કોન્ફરન્સનું આયોજન કરનારા બાજીરાવ ધર્માધિકારી સામે ગુરુવારે ભારતીય દંડ સંહિતાની કલમ 295-એ અને 505(2) હેઠળ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી શુક્રવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર વિશે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શૅર કરવા બદલ 2022માં ચિતળે સામે કાનૂની પગલાં લેવામાં આવ્યા હતા. બાદમાં તેને જામીન પર છોડવામાં આવી હતી. (પીટીઆઈ)