મહારાષ્ટ્ર

ફોન પર ‘સર’ ન કહ્યું એટલે ધમકાવ્યો: કુરિયર કંપનીના કર્મચારીનો પોલીસ અધિકારી પર આરોપ

યવતમાળ: યવતમાળ જિલ્લાના અરણી ખાતે પાર્સલની ડિલિવરી સંદર્ભે કરવામાં આવેલા ફોન પર ‘સર’ ન કહેવા બદલ પોલીસ અધિકારીએ ધમકાવ્યો હોવાનો આરોપ કુરિયર કંપનીના કર્મચારીએ કર્યો હતો. બંને વચ્ચેની કથિત વાતચીતની ઑડિયો ક્લિપ તેમ જ પોલીસ અધિકારી કુરિયર કંપનીની ઓફિસમાં ગયો તે સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જ્યાં તે કર્મચારીને ધમકાવતો નજરે પડતો હતો.

પીડિત ધીરજ ગેદામે જણાવ્યું હતું કે 23 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી અને તેણે આ પ્રકરણે હજી સુધી પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.

આ પણ વાંચો: વસઇમાં પિસ્તોલની ધાકે જ્વેલર્સની દુકાનમાંથી 71 લાખનાં ઘરેણાંની લૂંટ…

ગેદામના જણાવ્યા મુજબ હું સ્થાનિક કુરિયર કંપનીમાં કામ કરું છું અને ગ્રાહકોને પાર્સલ પહોંચાડું છું. પાર્સલની ડિલિવરી કરવા અગાઉ અમે ફોન કરીને પ્રાપ્તકર્તાઓના નામની પુષ્ટિ કરીએ છીએ. એ મુજબ મેં પાર્સલ પર દર્શાવેલા નામની પુષ્ટિ કરવા માટે ગ્રાહકને ફોન કર્યો હતો. જોકે તેણે મને અપશબ્દો કહેવાનું શરૂ કર્યું હતું તથા મને અને ઓફિસના સ્ટાફને ધમકાવ્યા હતા.

તેમની વાતચીતની ઑડિયો ક્લિપમાં ‘સર’ તરીકે સંબોધન ન કરવા બદલ પોલીસ અધિકારીએ ધીરજ ગેદામને ધમકાવ્યો હતો. પોલીસ અધિકારી બાદમાં કુરિયર કંપનીની ઓફિસમાં ગયો હતો અને ફરીથી તેને ધમકી આપી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર સંબંધિત પોલીસ અધિકારી અરણી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે.

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડની નોકરી બચાવવા ‘ખાખી વરદી’ પહેરી બૉયફ્રેન્ડે હોટેલ મૅનેજરને ધમકાવ્યો

યવતમાળના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે હજી સુધી કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી, પણ અમે ઘટનાની માહિતી મેળવી રહ્યા છીએ.

બીજી તરફ ગેદામે જણાવ્યું હતું કે તે કાનૂની અભિપ્રાય મેળવી રહ્યો છે અને ટૂંક સમયમાં તે આ અંગે ફરિયાદ નોંધાવશે.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button