મહારાષ્ટ્ર

અજય દેવગનનો રોગ લાગ્યો કોંગ્રેસના સાંસદને, જુઓ કર્યો જોખમી સ્ટંટ

મુંબઈ: મહારાષ્ટ્રની ભંડારા બેઠકના કૉંગ્રેસના સાંસદે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી ગાડીના બૉનેટ ઉપર સ્ટન્ટ મારતો વીડિયો તૈયાર કર્યો હતો, જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. એક બાજુ પુણે પોર્શ કાંડ, મુંબઈમાં ઑડી દ્વારા થયેલા અકસ્માત અને મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્રની કાર દ્વારા થયેલા અકસ્માતને પગલે બેફામ ડ્રાઇવિંગનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે કૉંગ્રેસના સાંસદ દ્વારા કરવામાં આવેલા જોખમી અને ટ્રાફિકના નિયમોનું રીતસરના ખડેચોક ઉલ્લંઘનની લોકો ખૂબ ટીકા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બોલીવુડ સ્ટાર અજય દેવગન ફૂલ ઔર કાંટે ફિલ્મમાં બાઇક ઉપર ઊભો રહી એન્ટ્રી કરે છે તેમ જ ગોલમાલ ફિલ્મની ફ્રેન્ચાઇઝીમાં પણ બે ગાડીના બોનેટ ઉપર ઊભો રહે છે તેની કોપી આ સાંસદ કરતા હોવાની વાતો ઇન્ટરનેટ પર થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં આ હરકતને ખૂબ જ હાસ્યાસ્પદ ગણાવી તેની ટીકા કરવામાં આવી રહી છે અને સાંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી પણ થઇ રહી છે.

ભંડારા બેઠકના કૉંગ્રેસના સાંસદ પ્રશાંત પડોલે એક સફેલ રંગની એસયુવી(સ્પોટર્સ યુટિલિટી વ્હિકલ)ના બોનેટ એટલે કે ગાડીના આગળના ભાગ પર બેસીને પાણી ભરેલું હોય તેવા રસ્તા પરથી પસાર થયેલા વીડિયોમાં દેખાય છે.

વીડિયો ઉતારવામાં આવે એ પહેલા એ રસ્તા પરથી પસાર થઇ રહેલા સામાન્ય નાગરિકોનો રસ્તો રોકી લેવામાં આવ્યો હતો અને તેમને રસ્તા પરથી હટાવ્યા હોવાની જાણકારી પણ મળી હતી.

વીડિયોમાં બોનેટ પર બેસીને હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલતા હોય તેવો અભિનય કરતા પ્રશાંત પડોલે જોવા મળે છે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે કૉંગ્રેસના સાંસદે ઉતારેલા વીડિયોમાં પાણીનો ફુવ્વારો ઉડતો ન દેખાતો હોવાથી તેમનો એક સમર્થક કહેતો દેખાય છે કે ફુવ્વારો નથી ઉડ્યો. ત્યારબાદ પાણીનો ફુવ્વારો ઉડે એ રીતે જોખમી રીતે ફુલ સ્પીડમાં ડ્રાઇવર ગાડી ચલાવે છે અને પાણીનો ફુવ્વારો ઉડાવે છે. આ વીડિયો અન્ય કોઇએ નહીં, પરંતુ કૉંગ્રેસના સાંસદે પોતે પોતાના એકાઉન્ટ દ્વારા લાઇવ જઇને લોકો સુધી પહોંચાડ્યો હતો. લોકો આ વીડિયોની અને કૉંગ્રેસ સાંસદની હરકતની ખૂબ ટીકા કરી રહ્યા છે અને તેના ઉપર કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button