કોંગ્રેસના દિગ્ગજ નેતા શિવરાજ પાટીલ પીએમ મોદીને મળ્યા

લાતુર: કોંગ્રેસના જ્યેષ્ઠ નેતા શિવરાજ પાટીલ તાજેતરમાં દિલ્હીમાં પરિવારના સભ્યો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, એમ તેમની પુત્રવધૂ અર્ચના પાટીલે ગુરુવારે જણાવ્યું હતું.
તેમણે પીએમના સત્તાવાર નિવાસસ્થાને થયેલી આ મુલાકાતની તારીખ સ્પષ્ટ કરી ન હતી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે આ મુલાકાત એક અઠવાડિયા પહેલા થઈ હતી.
ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લાતુરથી ભાજપના ઉમેદવાર રહેલા અર્ચના પાટીલ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને લાતુરના દિગ્ગજ નેતા સ્વ. વિલાસરાવ દેશમુખના પુત્ર અમિત દેશમુખ સામે હારી ગયા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગજ નેતાની પુત્રવધુએ કેસરીયો ખેંસ કર્યો ધારણ, અર્ચના પાટીલ 30 વર્ષથી કરે છે સમાજ સેવા: ફડણવીસ
89 વર્ષના શિવરાજ પાટિલ 2004થી 2008 સુધી કેન્દ્રીય ગૃહ પ્રધાન અને 1991થી 1996 સુધી લોકસભાના 10મા અધ્યક્ષ રહ્યા હતા. તેઓ પંજાબના રાજ્યપાલ પણ હતા અને 2010થી 2015 સુધી કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ સેવા આપી હતી.
અમારી પીએમ મોદી સાથેની મુલાકાત અવિસ્મરણીય રહી, એમ અર્ચના પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે મોદીએ શિવરાજ પાટિલ દ્વારા લોકસભાના અધ્યક્ષ તરીકે નવા સંસદ ભવન બનાવવા માટે કરવામાં આવેલા પ્રસ્તાવને યાદ કર્યો હતો.
આ પણ વાંચો: ભાજપના મોવડીમંડળ પાસે 10000 આંખ અને 20000 કાન: ચંદ્રકાંત પાટીલ
તેમણે કહ્યું હતું કે બેઠક દરમિયાન, લોકસભા મતવિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકન, રાજકારણમાં મહિલાઓની ભાગીદારી, સૌર ઉર્જા મિશન, એક રાષ્ટ્ર, એક ચૂંટણી અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે એક કલાક ચાલેલી બેઠક દરમિયાન, મોદીએ સત્ય સાંઈ બાબાના પુટ્ટપર્થી આશ્રમની મુલાકાત વિશે પણ વાત કરી. અમે વડા પ્રધાનને લાતુરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું, એમ તેમણે કહ્યું હતું.