
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં મીની વિધાનસભાની ચૂંટણીઓ પ્રસ્તાવિત છે ત્યારે ભાજપના સૌથી મોટા ટેકેદાર વર્ગ ઓબીસીના મતોમાં ગાબડું પાડવાના હેતુથી મહારાષ્ટ્ર કૉંગ્રેસની જમ્બો કેબિનેટમાં 40 ટકા ઓબીસી નેતાઓ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસે લગભગ 280 સભ્યોની નવી જમ્બો રાજ્ય કારોબારી સમિતિનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેમાં 40 ટકા અન્ય પછાત વર્ગો (ઓબીસી) નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પગલાને પાર્ટી દ્વારા ઓબીસી મતદારોને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે કારણ કે રાજ્યમાં જિલ્લા પરિષદો અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આ વર્ષના અંતમાં યોજાવાની અપેક્ષા છે. આ ચૂંટણીઓમાં રાજ્યમાં કુલ 14 હજારથી વધુ જન પ્રતિનિધિઓ ચૂંટાવાના છે. એથી જ આને મીની વિધાનસભા ગણવામાં આવતી હોય છે. આમેય રાજ્યના અનેક જિલ્લામાં કૉંગ્રેસ એકલેપંડે ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસને ટ્રમ્પ-પાકિસ્તાન સાચાં લાગે છે
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે, તાજેતરમાં નિયુક્ત થયેલા મહારાષ્ટ્ર એકમના વડા હર્ષવર્ધન સપકાળના નેતૃત્વ હેઠળની નવી રાજ્ય કારોબારી સમિતિમાં લગભગ 280 નેતાઓ હશે.
આમાં લગભગ 110-115 મહાસચિવ, 105-108 સચિવ, પાંચ વરિષ્ઠ પ્રવક્તા, એક મીડિયા કો-ઓર્ડિનેટર અને ખજાનચી હશે, આમાં લગભગ 15-20 સિનિયર ઉપપ્રમુખ અને 35-40 ઉપપ્રમુખ પણ રાખવામાં આવશે. કારોબારીમાં અંદાજે 15 ટકા મહિલાઓને સ્થાન આપવામાં આવશે એમ પણ સૂત્રોએ કહ્યું હતું.
રાજ્ય કારોબારી સમિતિની આ યાદી તૈયાર છે અને અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવી છે કારણ કે હાઇ-કમાન્ડ હજુ પણ તેના પર વિચાર કરી રહ્યું છે.
આ પણ વાંચો: ભાષાવિવાદ વચ્ચે કૉંગ્રેસ ઉત્તર ભારતીયોને જોડવા યોજશે મુંબઈ વિરાસત મિલન
2024ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ, પાર્ટીએ ઓબીસી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ પણ ઓબીસીની સાથે ખરા અર્થમાં ઉભી રહેલી પાર્ટી તરીકે પોતાને રજૂ કરવા માટે વ્યાપકપણે કામ કરી રહી છે. મહારાષ્ટ્રમાં, ઓબીસી નેતૃત્વને વધારાની જગ્યા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ અંતિમ યાદીની રચના સાથે સંકળાયેલા એક વરિષ્ઠ રાજ્ય કોંગ્રેસના નેતાએ જણાવ્યું.
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપને ઓબીસીનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે અને મહા વિકાસ આઘાડી (એમવીએ)ની હારના મુખ્ય પરિબળોમાં એક કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
લગભગ 40 ટકા ઓબીસી નેતાઓ સાથે, કારોબારીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના 16-17 ટકા નેતાઓ, 18-19 ટકા લઘુમતી સમાજના અને 25-28 ટકા જનરલ કેટેગરીના નેતાઓ રહેશે એમ પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રાજ્યના વિભાગવાર પ્રતિનિધિત્વની દૃષ્ટિએ જોવામાં આવે તો પાર્ટીએ વિદર્ભને સૌથી વધુ પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે, એક સમયે આ વિદર્ભ કૉંગ્રેસનો ગઢ હતો અને તેના સંગઠન અને નેતૃત્વને કારણે રાજકીય રીતે પાછો આ ગઢ કબજે કરવાની કવાયત ચાલી રહી છે.
આ પણ વાંચો: શશિ થરૂરના સૂર બદલાયા? કૉંગ્રેસ સાથેના મતભેદની અટકળો વચ્ચે કહ્યું: “મારી નિષ્ઠા સૌપ્રથમ રાષ્ટ્ર પ્રત્યે છે”
કારોબારી સમિતિમાં લગભગ 40 ટકા વિદર્ભના નેતાઓ હશે, જેમાં અમરાવતી અને નાગપુર બંને વિભાગોનો સમાવેશ થાય છે. મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, ત્યારબાદ કોંકણને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. પાર્ટીની બેઠકમાં ઉત્તર મહારાષ્ટ્ર પર ધ્યાન આપવાની જરૂર વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં મહાયુતિના નેતાઓએ મહત્તમ સ્તરે પાર્ટી સંગઠનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, એમ આ સૂત્રોએ જણાવ્યું હતું.