પરભણી હિંસા અને સરપંચ હત્યા મામલે કોંગ્રેસે વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો
નાગપુર: પરભણીમાં હિંસા અને બીડ જિલ્લામાં સરપંચની હત્યાને મામલે સરકાર દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવા માટે કોંગ્રેસના સભ્યોએ મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
વિપક્ષી શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)ના સભ્યોએ કોંગ્રેસના વિધાનસભ્યો સાથે વોકઆઉટ તો કર્યું હતું, પરંતુ શિવસેના (યુબીટી)ના સભ્યો થોડી વારમાં ગૃહમાં પાછા ફર્યા હતા. સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીએ અન્ય વિપક્ષી સભ્યો સાથે વોકઆઉટ કર્યું નહોતું અને તેઓ ગૃહમાં જ હાજર રહ્યા હતા. 10 ડિસેમ્બરની સાંજે પરભણી રેલવે સ્ટેશનની બહાર ડો. બી. આર. આંબેડકરની પ્રતિમા પાસે કાચની બંધ પેટીમાં રાખવામાં આવેલી બંધારણની પ્રતિકૃતિને તોડવામાં આવ્યા બાદ મધ્ય મહારાષ્ટ્રના પરભણી શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા સંદર્ભે 50થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે.
બીડમાં, મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું 9 ડિસેમ્બરે અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગૃહની બેઠક બાદ, સ્પીકર રાહુલ નાર્વેકરે કોંગ્રેસના સભ્ય નીતિન રાઉત દ્વારા માંડવામાં આવેલા સ્થગન પ્રસ્તાવની નોટિસ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મુદ્દો બુધવારે ચર્ચા માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.
જોકે, રાઉત અને તેમના પક્ષના સાથી નાના પટોલેએ માંગ કરી હતી કે આ ઘટના તાજેતરની છે અને રાજ્યના સામાજિક માળખાને ખલેલ પહોંચાડવાનો ભય હોવાથી આ મુદ્દો તાત્કાલિક ચર્ચા માટે ઉઠાવવામાં આવે. એનસીપી (સપા)ના સભ્ય સંદીપ ક્ષીરસાગરે જણાવ્યું હતું કે બીડ જિલ્લાના કૈજ તાલુકાના એક ગામના સરપંચની હત્યામાં વાલ્મિક કરાડ મુખ્ય આરોપી હતો અને હજુ પણ ફરાર છે. તેમણે કહ્યું કે તેમની સામે ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ હત્યાનો નહીં. કૈજના ભાજપ વિધાનસભ્ય નમિતા મુંદડાએ કહ્યું હતું કે સંતોષ દેશમુખ એક સારા માણસ હતા. ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં, તેમને હાઇવે પર ત્રાસ આપ્યા પછી મારી નાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે હત્યા 9 ડિસેમ્બરે થઈ હતી અને મુખ્ય આરોપી હજુ સુધી પકડાયો નથી.
Also read: રાજકોટમાં બંધારણના 75માં વર્ષગાંઠની કોંગ્રેસે કરી ઉજવણી
પટોલેએ દાવો કર્યો હતો કે 10 ડિસેમ્બરે પરભણીમાં બંધારણની પ્રતિકૃતિના અપમાન સામે વિરોધ પ્રદર્શન બાદ સોમનાથ સૂર્યવંશીની ધરપકડ બાદ આંબેડકરવાદીઓ ગુસ્સે ભરાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે સરકારે પરિસ્થિતિને અસરકારક રીતે સંભાળી ન હતી, જેના કારણે શહેરમાં ‘અશાંતિ’ થઈ હતી. જોકે, સ્પીકર નાર્વેકર મક્કમ હતા કે ચર્ચા બુધવારે થશે. પટોલેએ કહ્યું, ‘અમે દિવસની કાર્યવાહીનો બહિષ્કાર કરી રહ્યા છીએ કારણ કે સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પ્રત્યે ગંભીર નથી.’ સમાજવાદી પાર્ટી સિવાયના તમામ વિપક્ષી સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. થોડીવાર પછી, શિવસેના (યુબીટી) ના સભ્યો ગૃહમાં પાછા ફર્યા, જ્યારે કોંગ્રેસના વિધાનસભ્યો દૂર રહ્યા હતા. (પીટીઆઈ)