સહકાર ક્ષેત્રનું દેશના વિકાસમાં યોગદાન અતુલનીય: રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ
પુણે: દેશના વિકાસમાં સહકાર ક્ષેત્રનું યોગદાન અતુલનીય છે, એમ રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મૂર્મુએ સોમવારે કોલ્હાપુરમાં આયોજિત એક સમારંભમાં જણાવ્યું હતું. આ પહેલાં તેમણે કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં જઈને માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
શ્રી વારણા મહિલા સહકાર જૂથ, વારણાનગરની સુવર્ણ જયંતી સમારંભના કાર્યક્રમને કોલ્હાપુરમાં સંબોધતાં તેમણે કહ્યું હતું કે વ્યાપાર અને સાહસિકતાએ દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ સહકાર ક્ષેત્રનું દેશના વિકાસમાં યોગદાન અતુલનીય છે. લિજ્જત પાપડ અને અમુલ સહકાર ક્ષેત્રની સફળતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે સહકારી સંસ્થાઓમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે સમાજમાં રહેલી શક્તિનો સદુપયોગ કરવા માટે સહકાર શ્રેષ્ઠ માધ્યમ છે.
સહકારના સિદ્ધાંતોમાં બંધારણમાં પરિકલ્પના કરેલ ન્યાય, એકતા અને બંધુત્વનું પાલન કરવામાં આવે છે. જ્યારે અલગ અલગ વર્ગના અને વિચારધારાના લોકો સહકાર માટે એક થાય છે ત્યારે તેમને સામાજિક વૈવિધ્યનો લાભ મેળવી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
ફક્ત દૂધ જ નહીં ખાતર, કપાસ, હેન્ડલૂમ, ગૃહનિર્માણ, ખાદ્યતેલ અને સાકરના ક્ષેત્રમાં પણ સહકાર સંસ્થાઓએ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એમ પણ તેમણે કહ્યું હતું.