જમીન ગોટાળા પ્રકરણે રવીન્દ્ર વાયકરને ક્લીન ચીટ
ગેરસમજના કારણે ગુનો નોંધ્યો હોવાની પોલીસની સ્પષ્ટતા
મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના ઉમેદવાર અમોલ કિર્તિકરને લોકસભાની ચૂંટણીમાં ફક્ત 48 મતોથી હરાવનારા શિંદે જૂથની શિવસેનાના સાંસદ રવીન્દ્ર વાયકરને મોટો દિલાસો મળ્યો છે. જોગેશ્વરી જમીન ગોટાળા પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા(ઇઓડબલ્યૂ-ઇકોનોમિક ઓફેન્સિસ વિંગ) દ્વારા વાયકરને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે.
ઇઓડબલ્યૂએ કોર્ટમાં દાખલ કરેલા સી-સમરી રિપોર્ટમાં મુંબઈ મહાપાલિકાએ વાયકર વિરુદ્ધ ગેરસમજણના કારણે ગુનો દાખલ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેને પગલે રવીન્દ્ર વાયકર વિરુદ્ધનો ગુનો પણ પાછો ખેંચી લેવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
અપૂરી માહિતીના આધારે અને ગેરસમજણન કારણે રવીન્દ્ર વાયકર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. જોગેશ્વરીની એક મોંઘીદાટ હોટેલના બાંધકામ પ્રકરણે વાયકર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે વાયકર વિરુદ્ધ વાયકર વિરુદ્ધ અધૂરી માહિતીના આધારે ફરિયાદ નોંધાવવાં આવી હોવાનું પોલીસે અદાલતને જણાવ્યું હતું. આ પ્રકરણે વાયકરના પત્ની મનીષા. તેમના ભાગીદાર આશૂ નહેલાની, રાજ લાલચંદાની, પ્રિથપાલ બિંદ્રા અને આર્કિટેક્ટ અરુણ દુબે વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સાંસદ રવીન્દ્ર વાયકરના સાળા વિરુદ્ધ ગુનો નોંધાયો
કિરીટ સોમૈયાએ વાયકર વિરુદ્ધ આરોપ મૂક્યો હતો
મહાવિકાસ આઘાડીની સરકાર દરમિયાન સાર્વજનિક ઉપયોગ માટે અનામત રાખવામાં આવેલી જમીન કબજે કરી તેના પર ફાઇવ સ્ટાર હોટેલ બાંધવાની યોજના બનાવીને પાંચસો કરો રૂપિયાનો જમીન ગોટાળો કરવામાં આવ્યો હોવાનો આરોપ ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મૂક્યો હતો. આ ગેરરિતી આચરીને પાલિકાનો મહેસૂલ ડૂબાડવામાં આવ્યો હોવાનો આરોપ મૂકીને પાલિકા એન્જિનિયર સંતોષ માંડવકરે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
જોગેશ્વરીના મજાસવાડી વિસ્તારમાં 13,674 ચોરસ ફૂટની પાલિકાની માલિકીની જમીન મેદાન અને હોસ્પિટલ માટે રાખવામાં આવી હતી જેની કિંમત પાંચસો કરોડ રૂપિયાની આસપાસ છે. આ જમીન પર વાયકરે ફાઇવ સ્ટાર હોટેલ બાંધી હોવાનો રોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ બાંધકામ માટે પાલિકા પાસેથી કોઇ પરવાનગી લેવામાં આવી ન હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ બાબતે વાયર વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી.
જોકે, પૂછપરછ માટે વાયકર હાજર ન રહ્યા હોવાથી ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા વીયકરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. હવે આ મામલે મુંબઈ પોલીસે સી-સમરી રિપોર્ટ દાકલ કરી પાલિકાએ ગેરસમજણથી અને અધૂરી માહિતીના આધારે વાયકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જણાવવામાં આવતા વાયકરને રાહત મળી છે.
રાજકીય બ્લેકમેઇલિંગ શરૂ છેઃ કોંગ્રેસ
વાયકરને ક્લીનચીટ આપવામાં આવતા વિપક્ષ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી છે. કોંગ્રેસે વાયકર વિરુદ્ધનો કેસ બંધ કરવામાં આવ્યો તે રાજકીય બ્લકમેઇલિંગનું ઉદાહરણ હોવાનું ગણાવ્યું હતું. કોંગ્રેસના નેતા સચિન સાવંતે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાં કઇ રીતનું પોલિટીકલ બ્લેકમેઇલિંગ ચાલી રહ્યું છે આ તેનું ઉદાહરણ છે. ભાજપ વોશિંગ મશીન છે. ભાજપના નેતા કિરીટ સોમૈયા આરોપો મૂકીને ફરિયાદ નોંધાવે છે. એજન્સીઓ દરોડા પાડીને તપાસ કરે છે અને ડરાવે છે. જો તે વ્યક્તિ ભાજપમાં જોડાય તો તેને ક્લીન ચીટ મળી જાય છે, એમ સાવંતે જણાવ્યું હતું.