નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરમાંથી રિવોલ્વર ચોરી બાળકોએ ગોળીબાર કર્યો
ફિલ્મ જોઈને રિવોલ્વરમાં ગોળી ભરવાનું શીખ્યા અને 20 રાઉન્ડ હવામાં ફાયર કર્યા
પુણે: કોલ્હાપુરમાં બનેલી એક અજબ પ્રકારની ઘટનામાં 13 વર્ષના બાળકે નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરમાંથી રિવોલ્વર અને કારતૂસો ચોરી હતી. પછી 10 વર્ષના મિત્ર સાથે ફિલ્મ જોઈને રિવોલ્વરમાં ગોળી ભરવાનું શીખ્યો અને 20 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતા. પોલીસે બન્ને બાળકને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગોકુળ શિરગાવ પોલીસ સ્ટેશનની ઈન્ચાર્જ એપીઆઈ તબસ્સુમ મગદુમે જણાવ્યું હતું કે શનિવારની રાતે રિવોલ્વર ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તાત્કાલિક તપાસ હાથ ધરી ફરિયાદીની નોકરાણીના 13 વર્ષના પુત્રે રિવોલ્વર ચોરી હોવાની ખાતરી કરાઈ હતી. આ મામલે પ્રાથમિક તપાસ બાદ બે બાળકને સોમવારે તાબામાં લેવાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોળીબારની ઘટના શનિવારની સવારે કોલ્હાપુરના કરવીર તાલુકામાં આવેલા ઉજલવાડી ગામમાં બની હતી. બાળકની માતા નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરે કામ કરતી હતી.
આ પણ વાંચો: Instragram પર રિવોલ્વર સાથે રીલ બનાવવી ભુજના યુવકને ભારે પડી, પોલીસે કરી આ કાર્યવાહી
કહેવાય છે કે શુક્રવારે ઘરની સાફસફાઈમાં મદદ કરવાને બહાને માતા તેના પુત્રને નિવૃત્ત પોલીસ અધિકારીના ઘરે લઈ ગઈ હતી. ઘરના ટેબલના ડ્રોઅરમાંથી બાળકને રિવોલ્વર અને અમુક રાઉન્ડ મળી આવ્યા હતા. રમકડાની ગન હોવાનું ધારીને બાળકે રિવોલ્વર અને કારતૂસો ચોરી લીધી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
રિવોલ્વર ચોર્યા પછી બાળક તેના 10 વર્ષના મિત્ર સાથે ફિલ્મ જોઈને રિવોલ્વરમાં ગોળી ભરવાનું શીખ્યો હતો. પછી ગામના ઘાસના મેદાનમાં જઈને બન્ને જણે વારાફરતી હવામાં ગોળીબાર કર્યો હતો.
પોલીસના કહેવા મુજબ બાળકોએ કરેલા ગોળીબારની કોઈને જાણ થઈ નહોતી. અમુક લોકોએ ફટાકડાનો અવાજ હોવાનું માની ગોળીબાર તરફ ધ્યાન આપ્યું નહોતું. રિવોલ્વર ચોરીની ફરિયાદ નોંધાયા પછી બાળકની પૂછપરછ કરવામાં આવી હતી. બાળકોએ આપેલી માહિતી પરથી મેદાનમાંથી પોલીસે 20 ખાલી કાટ્રિજીસ હસ્તગત કરી હતી.