મહાડમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 11 લોકો ફસાયા, 5ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

રાયગડ: રાયગડ જિલ્લાના મહાડ એમઆઇડીસીમાં આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. બ્લૂ જેટ કેમિકલ કંપનીમાં લાગેલી આ આગમાં 11 લોકો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે પાંચને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાની વિગતો મળી છે. ગેસ લિકેજને કારણે પહેલાં વિસ્ફોટ થયો અને પછી આગ લાગી હોવાની વિગતો પ્રાથમીક તપાસમાં જાણવા મળી છે. હાલમાં આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને કેટલાંક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બ્લૂ જેટ હેલ્થકેર લિમિટેડ કંપની રાયગડના મહાડ MIDC માં આવેલી છે. આ કંપનીમાં સવારે 11 વાગ્યાની આસપાસ મોટો અવાજ સંભળાયો હતો. આ અવાજ વિસ્ફોટને કારણે થયો છે એ વાત તરત જણાઇ આવી હતી. આ વિસ્ફોટને કારણે સ્થાનીકોમાં નાસ-ભાગ મચી ગઇ હતી. પહેલાં ગેસ લિક થયો કે પહેલાં ધમાકો થયો એ અંગે હજી કોઇ જાણકારી મળી શકી નથી. જોકે વિસ્ફોટ બાદ આગ પળવારમાં જ ફેલાઇ હતી. આ આગમાં કંપનીના કેટલાકં કર્મચારીઓ ફસાયા હોવાની જાણકારી મળી છે.
વિસ્ફોટ બાદ આગ ક્ષણવારમાં જ ફેલાઇ ગઇ હતી. આગ ફેલાતા જ લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ગેસ લિકેજને કારણે એક કર્મચારીની તબિયત લથડી હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ આગમાં હજી 11 લોકો ફસાયા હોવાનું કહેવાઇ રહ્યું છે. આ કંપનીમાં 57 કર્મચારીઓ કામ કરી રહ્યા હતાં. જેમાંથી 11ની ભાળ મળી નથી અને પાંચને ઇજા થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાઇ રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ રાજ્યના ઉદ્યોગ પ્રધાન અને રાયગડના પાલક પ્રધાન ઉદય સામંત ઘટના સ્થળની મુલાકાત લઇને જાણકારી મેળવશે.