નવા ચૂંટાયેલા કૉંગ્રેસના નગરસેવકોનું બસમાંથી અપહરણ કરવાનો પ્રયાસ

ચંદ્રપુર: પાલિકાના નવા ચૂંટાયેલા કૉંગ્રેસના નગરસેવકો ચંદ્રપુરથી બસમાં નાગપુર જઇ રહ્યા હતા ત્યારે તેમના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વાહનોમાં આવેલા માસ્કધારીઓએ સમૃદ્ધિ એક્સપ્રેસ-વૅ નજીક ફિલ્મી ઢબે બસને આંતરી હતી, પણ પોલીસ સમયસર ત્યાં પહોંચી ગઇ હતી અને મધ્યસ્થી કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે આ પ્રકરણે છ જણ સામે ગુનો દાખલ કરીને એકની ધરપકડ કરી હતી.
ચંદ્રપુર પાલિકાના નવા ચૂંટાયેલા નગરસેવકો ગુરુવારે જે બસમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે વર્ધા જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ-વૅ નજીક 20 લોકોના ટોળાએ બસને આંતરી હતી અને તેમાં હાજર કૉંગ્રેસના નગરસેવકોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આપણ વાચો: વેનેઝુએલાના રાષ્ટ્રપતિના અપહરણ મુદ્દે પૃથ્વીરાજ ચવ્હાણનું વિવાદાસ્પદ નિવેદન: PM મોદી અંગે કર્યો સવાલ
જોકે પક્ષના સમર્થકો સમયસર ત્યાં પહોંચી ગયા બાદ બે જૂથ વચ્ચે ઝપાઝપી થઇ હતી. દરમિયાન બનાવની જાણ થતાં પોલસી ટીમ ત્યાં દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, એમ બસમાં પ્રવાસ કરી રહેલા વરિષ્ઠ નગરસેવકે જણાવ્યું હતું.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારને વફાદાર 17થી 18 જેટલા નગરસેવકો નાગપુર તરફ જઇ રહ્યા હતા, જ્યાં તેમનું જૂથ પાલિકાની ચૂંટણી બાદ સત્તાવાર રીતે ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં નોંધણી કરાવવાનું હતું.
ગુરુવારે 5.45 વાગ્યાની આસપાસ યેલાકેલી ટોલ પ્લાઝા પાસે મોઢા પર માસ્ક પહેરેલા 20 જેટલા અજાણ્યા શખસો ચારથી છ વાહનમાં ત્યાં આવ્યા હતા અને તેમણે બસને આંતરી હતી. શખસોએ કૉંગ્રેસના નગરસેવકોને બળજબરીથી બસમાંથી ઉતારવાનો કથિત પ્રયાસ કર્યો હતો, એમ પક્ષના નગરસેવક રાજેશ અડુરે નોંધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું.
આપણ વાચો: નાઇજીરીયાના નાઇજરમાં બંદૂકધારીઓએ 30 લોકોને મારી નાખ્યા, અનેકનું અપહરણ
દરમિયાન કૉંગ્રેસના કેટલાક કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેને કારણે બે જૂથ વચ્ચે ઝપાઝપી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. બનાવની જાણ થયા બાદ પોલીસ અધિકારીઓ ત્વરિત ત્યાં આવી પહોંચ્યા હતા.
પક્ષના કાર્યકરોએ કાનૈન સિદ્દીકી નામના અપહરણકારને પકડી પાડ્યો હતો, જેની પોલીસે બાદમાં ધરપકડ કરી હતી. સિદ્દીકી અને ઓળખી કઢાયેલા અન્ય પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ સિવાય અન્ય કેટલાક અજાણ્યા શખસો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)



