ભુજબળે સરકારને મરાઠાઓ માટે કુણબી જાતિ પ્રમાણપત્રો પર જીઆર પાછો ખેંચવા વિનંતી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન છગન ભુજબળના નેતૃત્વ હેઠળના ઓબીસી સંગઠને મંગળવારે રાજ્ય સરકારને મરાઠા સમુદાયના સભ્યોને કુણબી જાતિ પ્રમાણપત્રો આપવા માટેનો જીઆર પાછો ખેંચવા અથવા તેમાં યોગ્ય રીતે ફેરફાર કરવાની વિનંતી કરી હતી.
તેમણે એવી પણ માગણી કરી હતી કે સરકાર સુનિશ્ર્ચિત કરે કે જીઆર રાજ્યના 350થી વધુ સમુદાયોને આવરી લેતા અન્ય પછાત વર્ગો (ઓબીસી) ક્વોટાને ઘટાડે નહીં.
રાજ્યના સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવા અંગેનો જીઆર જારી કર્યા પછી ઓબીસીમાં બેચેની ફેલાઈ ગઈ છે, જે મરાઠા સમુદાયના પાત્ર લોકોને કુણબી જાતિ પ્રમાણપત્રો માટે અરજી કરવાની મંજૂરી આપશે. આનાથી તેઓ પ્રમાણપત્રો જારી થયા પછી ઓબીસી શ્રેણી હેઠળ ક્વોટાનો દાવો કરી શકશે.
આ પણ વાંચો: મરાઠા આરક્ષણ આટોપાયું તો મહાયુતી પર આ મોટું સંકટ આવી પડ્યુંઃ ભુજબળે કરી કોર્ટમાં જવાની તૈયારી
મરાઠા અનામત અંગેની રાજ્ય કેબિનેટ સબ-કમિટીએ ક્વોટા નેતા મનોજ જરાંગેને બીજી સપ્ટેમ્બરે મુંબઈમાં તેમની ભૂખ હડતાળ પાછી ખેંચવા માટે સફળતાપૂર્વક સમજાવ્યા બાદ સરકારી આદેશ (જીઆર) જારી કરવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં, અખિલ ભારતીય મહાત્મા ફૂલે સમતા પરિષદના પ્રમુખ ભુજબળે મંગળવારે એવો દાવો કર્યો હતો કે કેબિનેટની મંજૂરી અથવા ઓબીસીના હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા વિના ‘એક શક્તિશાળી સમુદાયના દબાણ હેઠળ ઉતાવળમાં’ જીઆર જારી કરવામાં આવ્યો હતો.
જીઆર હૈદરાબાદ ગેઝેટમાં રેકોર્ડ અને સ્થાનિક રહેવાસીઓ અથવા સંબંધીઓ દ્વારા સોગંદનામાના આધારે જાતિ પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા નક્કી કરે છે.
પરિષદે એવી દલીલ કરી હતી કે આ મરાઠાઓ માટે એક અલગ, સરળ પદ્ધતિ બનાવવા સમાન છે, જ્યારે સેંકડો ઓબીસી જાતિઓએ મહારાષ્ટ્ર જાતિ પ્રમાણપત્ર અધિનિયમ, 2000 અને 2012 નિયમો હેઠળ સ્થાપિત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
ભુજબળે જણાવ્યું હતું કે કુણબી, મરાઠા કુણબી અથવા કુણબી મરાઠા જેવા જાતિના નામોને બદલે ‘મરાઠા સમુદાય’ શબ્દનો ઉપયોગ ગેરકાયદે છે, કારણ કે મરાઠાઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (એસઈબીસી) અધિનિયમ, 2024 હેઠળ 10 ટકા અનામત સાથે અલગથી માન્યતા આપવામાં આવી છે.
આ પણ વાંચો: શરદ પવારે મંચ પર લખીને આપેલો સંદેશ, છગન ભુજબળે ગુપચુપ વાંચ્યો
‘આનાથી મરાઠા સમુદાયને બે પ્રકારની અનામતનો લાભ મળી શકશે,’ એમ એનસીપીના નેતાએ ઉમેર્યું હતું.
ઓબીસી સંસ્થાએ નોંધ્યું હતું કે જસ્ટિસ શિંદે સમિતિએ મરાઠવાડામાં 47,845થી વધુ રેકોર્ડની ચકાસણી કરી છે, જેના કારણે 2,39,021 લાખ જાતિ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા અને ફક્ત 428 અરજીઓ જ નકારી કાઢવામાં આવી હતી.
તેમણે નવા જીઆરની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યો હતો અને સોગંદનામામાં ‘સંબંધી’ (સગેસોયરે) અને ‘કૂળ’ (વંશાવળી) જેવા અસ્પષ્ટ શબ્દો પર આધાર રાખવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને એવી ચેતવણી આપી હતી કે આ આદેશ મૂંઝવણ, મનસ્વીતા અને સામાજિક અશાંતિ પેદા કરી શકે છે.
પરિષદે એવી માગણી કરી હતી કે સરકાર જીઆર રદ કરે અથવા તેમાં સુધારો કરે જેથી ખાતરી થાય કે તે મહારાષ્ટ્રમાં 350થી વધુ સમુદાયોને આવરી લેતા ઓબીસી ક્વોટાને કોઈ અસર ન થાય.