નાશિકમાં પોલિસીને નામે વિદેશી નાગરિકોને છેતરતા...
મહારાષ્ટ્ર

નાશિકમાં પોલિસીને નામે વિદેશી નાગરિકોને છેતરતા…

બે બોગસ કૉલ સેન્ટરનો સીબીઆઇએ કર્યો પર્દાફાશ બે જણની ધરપકડ: વાંધાજનક ડિજિટલ પુરાવા, પીડિતોના ડૅટા, રોકડ જપ્ત

મુંબઈ: નાશિકમાં બેઠાં બેઠાં વીમા એજન્ટ/સરકારી સત્તાવાળાઓના સ્વાંગમાં વિદેશી નાગરિકોને છેતરતા બે બોગસ કૉલ સેન્ટરનો સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા પર્દાફાશ કરીને બે જણની ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઇએ બાદમાં નાશિક અને થાણે જિલ્લાના કલ્યાણમાં રેઇડ પાડીને વાંધાજનક ડિજિટલ પુરાવા, પીડિતોના ડૅટા, ફેસ ઇન્શ્યૂરન્સ પોલિસીની સ્ક્રિપ્ટ, પાંચ લાખની રોકડ સહિત અન્ય મતા જપ્ત કરી હતી. સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીની ઓળખ ગણેશ અને શ્યામ કામણકર તરીકે થઇ હતી.

બંને આરોપીને બાદમાં થાણેની વિશેષ સીબીઆઇ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને સીબીઆઇ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

નાશિકમાં મે. સ્વાગન બિઝનેસ સોલ્યુશન્સ પ્રા.લિ.ને નામે કૉલ સેન્ટર ચલાવવામાં આવતા હતા. આ અંગે સીબીઆઇ દ્વારા 11 સપ્ટેમ્બરે ચાર ખાનગી વ્યક્તિ, અજ્ઞાત સરકારી કર્મચારીઓ અને અન્યો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બાદમાં અધિકારીઓએ રેઇડ પાડીને બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો અને બે જણની ધરપકડ કરવામાં આવી હતી.
આ કૉલ સેન્ટરોમાં કુલ 60 લોકો કામ કરતા હતા.

કૉલ સેન્ટરમાં પીડિતોના ક્રેડિટ/ડેબિ કાર્ડની વિગતો મેળવવા અને બિન-અસ્તિત્વની પોલિસીઓ માટે પેમેન્ટ કરાવીને છેતરપિંડી કરવા માટે વીઓઆઇપી, સ્પૂફ્ડ નંબરો તથા ફૅક દસ્તાવેજોેનો ઉપયોગ કરાતો હતો, એમ સીબીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ કાર્યવાહી બાદ સીબીઆઇ દ્વારા નાશિક અને કલ્યાણમાં રેઇડ પાડવામાં આવી હતી, જ્યાંથી વાંધાજનક ડિજિટલ પુરાવા અને પીડિતોના ડૅટા સહ અન્ય મતા જપ્ત કરાઇ હતી. ગુનામાં મળતી રકમ પેપાલ અને બેન્કિંગ ચેનલો મારફત આરોપીઓ દ્વારા સંચાલિત કરાતાં ખાતામાં ફેરવવામાં આવતી હતી, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો…આર્મી ઓફિસરના સ્વાંગમાં લોકોને છેતરતી મહિલા પકડાઇ: શસ્ત્રો અને યુનિફોર્મ જપ્ત

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button