આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા આરક્ષણ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવો: મહાવિકાસ આઘાડીની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં મરાઠા અનામત માટેની માગણીને માટે થઈ રહેલું આંદોલન હિંસક બની રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના વિપક્ષોએ રાજ્યમાં મરાઠા અનામત અંગેનો નિર્ણય લેવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે મંગળવારે ભાજપ પર મરાઠા સમાજને ખોટા નિર્ણયો લઈને તેમ જ ખોટા આશ્વાસનો આપવાનો આક્ષેપ કર્યો હતો.

મરાઠા અનામત માટેનું આંદોલન સોમવારે વધુ હિંસક બન્યું હતું જેમાં આંદોલનકારીઓએ રાજકારણીઓની મિલકતોને નિશાન બનાવી હતી. બીડ, છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ જિલ્લામાં હિંસા અને આગચંપીના બનાવો નોંધાયા હતા.
નાગપુરમાં પત્રકારોને સંબોધતાં વડેટ્ટીવારે કહ્યું હતું કે આ આગ ભાજપ દ્વારા લગાવવામાં આવી છે અને રાજ્ય અસ્થિર બની ગયું છે. તેમના ખોટા નિર્ણયો અને ખોટા આશ્વાસનોને કારણે લોકો ઉશ્કેરાયેલા છે. રાજ્યની રાજકીય સ્થિતિ ગંભીર બની છે.

અમે રાજ્યપાલને એવી વિનંતી કરી છે કે રાજ્ય વિધાનસભાનું ત્રણ કે ચાર દિવસ માટે વિશેષ અધિવેશન બોલાવવામાં આવે અને આ મુદ્દાનો ઉકેલ શોધી કાઢવામાં આવે એમ પણ વડેટ્ટીવારે કહ્યું હતું.

બીજી તરફ એનસીપીના નેતા અનિલ દેશમુખે પણ કહ્યું હતું કે મરાઠા અનામતનો મુદ્દો દિવસે દિવસે ગુંચવાઈ રહ્યો છે. સરકારે 30 દિવસમાં ઉકેલ શોધવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ તેઓ રસ્તો કાઢી શક્યા નથી. સરકારે આ મુદ્દો ગંભીરતાથી લેવો જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button