સરકારી યોજનાનો લાભ લેવા મામલે ભાઈએ કરી નાના ભાઈની હત્યા
પાલઘર: સરકારી યોજનાનો લાભ લેવા અને લાઈટ બિલને મામલે બે ભાઈઓ વચ્ચે ચાલતો વિવાદ લોહિયાણ બન્યો હોવાની ઘટના વસઈ તાલુકામાં બની હતી. દાતરડાથી હુમલો કરી નાના ભાઈની હત્યા કરવાના આરોપસર પોલીસે મોટા ભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સાતપાટી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ ઘટના સકલે પાડા પરિસરમાં બની હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સતીશ જીતુ પાટીલ (45) તરીકે થઈ હતી.
આ પણ વાંચો : Election: ટિકિટ નહીં મળતા પાલઘરના નેતા શ્રીનિવાસ વનગા ‘ડિપ્રેશન’માં, પરિવારના લોકો ચિંતામાં…
પોલીસના જણાવ્યા મુજબ સતીશ અને તેના ભાઈ ચંદ્રકાંત જીતુ પાટીલ (35) વચ્ચે ગવર્નમેન્ટ હાઉસિંગ સ્કીમ અને તેમના ઘરના લાઈટના બિલ મામલે વિવાદ ચાલી રહ્યો હતો. બુધવારે પણ આ જ મુદ્દે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. રોષમાં આવી આરોપીએ ચંદ્રકાંત પર દાતરડાથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડેલા ચંદ્રકાંતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં સાતપાટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ચંદ્રકાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે સતીશની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)