ગર્લફ્રેન્ડને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં યુવકની ધરપકડ
આપઘાત પહેલાં યુવક-યુવતી વચ્ચે 43 ફોન કૉલ્સ થયા
નાગપુર: ગર્લફ્રેન્ડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના આરોપસર પોલીસે યુવકની ધરપકડ કરી હતી. યુવતીએ આપઘાત કર્યો તે પહેલાં બન્ને વચ્ચે 43 ફોન કૉલ્સ થયા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે ન્યૂ કામઠી પોલીસે સાગર રાજુ કરડે (30) વિરુદ્ધ ગુનો નોંધી સોમવારે તેની ધરપકડ કરી હતી. આરોપી અને મૃતક પીયૂષા (28) એક જ કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં. પીયૂષાએ તેના કુટુંબીજનોને કરડે સાથેના તેના સંબંધોની જાણ કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે 29 ડિસેમ્બરે કરડેએ પીયૂષાને ફોન કરી જણાવ્યું હતું કે તેના પરિવારજનોએ આ સંબંધ સામે વિરોધ દર્શાવ્યો છે. પરિણામે તેમનાં લગ્ન શક્ય ન હોવાનું કરડેએ કહ્યું હતું. આ વાતને લઈ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પછી તો બન્ને વચ્ચે 43 ફોન કૉલ્સ થયા હતા.
Also read: એર ઇન્ડિયાના પાયલટની આત્મહત્યા: આરોપી બોયફ્રેન્ડને મળ્યા જામીન
સાંજે પાંચ વાગ્યાની આસપાસ પીયૂષા તેની રૂમમાં ગઈ હતી. સાડાપાંચ વાગ્યાની આસપાસ તેનો ભાઈ આવ્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. ભાઈએ પીયૂષાના મોબાઈલ પર કૉલ કર્યા હતા, પરંતુ તેણે કૉલ રિસીવ કર્યા નહોતા. ભાઈએ બારીમાંથી ડોકિયું કરતાં સીલિંગ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પીયૂષા નજરે પડી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે કરડેએ લગ્નની ના પાડતાં હતાશામાં યુવતીએ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે વધુ તપાસ પોલીસ કરી રહી છે. (PTI)