મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી; મુંબઈ પોલીસ એલર્ટ પર

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા દોડધામ (Bomb Blast Threat in Maharashtra CMO) મચી ગઈ છે. મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાના નંબર પરથી વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, ત્યારથી મુંબઈ પોલીસ(Mumbai Police)ને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. મેસેજ મોકલનાર શખ્સે પોતાની ઓળખ મલિક શાહબાઝ હુમાયુ રાજા દેવ તરીકે આપી હતી.
મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી અંગે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. આ ધમકીને ગંભીરતાથી લેતા, વર્લી પોલીસે કેસ નોંધ્યો છે અને તેની તપાસ સાયબર સેલને સોંપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સુરક્ષા વિભાગને આ વોટ્સએપ મેસેજ અંગે જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : એકનાથ શિંદેને બીજો ફટકો! મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી રાજકીય હલચલ વધી…
એકનાથ શિંદેને પણ ધમકી મળી ચુકી છે:
નોંધનીય છે કે, આ પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કારમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. ગોરેગાંવ અને જેજે માર્ગ પોલીસ સ્ટેશન સહિત અનેક સરકારી સંસ્થાઓને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. તપાસ બાદ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને કથિત રીતે તેણે ઈમેલ મોકલવાની કબૂલાત કરી છે.
મુંબઈ પોલીસને આગાઉ પણ આવી ગંભીર ધમકીઓ મળી ચુકી છે. 20 ઓગસ્ટ, 2022 ના રોજ, મુંબઈ પોલીસને પાકિસ્તાની નંબર પરથી 26/11 જેવા હુમલાની ધમકી પણ આપવામાં આવી હતી.