ચૂંટણીમાં મહાયુતિની ‘બમ્પર’ જીત: MVA કરતા અઢી ગણી વધુ બેઠક પર ભાજપનો દબદબો, નેતાઓએ શું કહ્યું?

વિપક્ષી મહાવિકાસ આઘાડીના સૂપડા સાફઃ ભાજપ, શિંદે સેના અને અજિત પવાર જૂથનો દબદબો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં નગર પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વમાં મહાયુતિએ બમ્પર જીત મેળવીને વિપક્ષ પર હાવી થવામાં ફરી સફળતા મેળવી છે. મહારાષ્ટ્ર નગર પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં બમ્પર જીત મેળવીને વિરોધ પક્ષમાં એનસીપી (એસી શરદ પવાર), ઉદ્ધવ ઠાકરેની શિવસેના-યુબીટી અને કોંગ્રે સાથે મળીને પણ જાદુ કરી શક્યા નથી. ત્રણેય વિરોધી પાર્ટી ભાજપ, એકનાથ શિંદે શિવસેના અને એનસીપી (અજિત પવાર)ની મહાયુતિ સામે ટકી શક્યા નથી. પંચાયત અને પરિષદની બેઠક પર મહાવિકાસ આઘાડીની કુલ બેઠક કરતા એકલા ભાજપને અઢી ગણી વધુ બેઠક મળી છે. જાણીએ સમગ્ર આંકડાઓની વિગતો.
અત્યારે લખાય છે ત્યાં સુધીમાં મહારાષ્ટ્રમાં નગર પરિષદની ચૂંટણીના પરિણામોમાં ભાજપ 100થી વધુ સીટ પર આગળ છે યા જીતી છે. વિપક્ષી તમામ પાર્ટીને હરાવી છે, જ્યારે એનસીપી-એસપી આઠ, શિવસેના યુબીટી સાત અને કોંગ્રેસ 26 સીટ પર આગળ છે યા જીતી છે. નગર પરિષદની ચૂંટણીના પરિણામોમાં ત્રણેય પક્ષની કુલ મળીને ભાજપથી અડધી સીટ પણ મેળવી શક્યા નથી. નગર પંચાયતમાં પણ મહાવિકાસ આઘાડી (એમવીએ)ના બુરા હાલ થયા છે.
નગર પંચાયતની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભાજપ 23 સીટ પર આગળ છે, જ્યારે યુબીટી શિવસેના 4 અને કોંગ્રેસ ત્રણ સીટ પર આગળ છે, જ્યારે એનસીપી-એસપીનું તો ખાતું ખૂલ્યું નથી. નગર પરિષદ અને નગર પંચાયતના આંકડા જોડીને વાત કરીએ તો ભાજપની પાસે એકલા એમવીએ (એનસીપી-એસી, શિવસેના-યુબીટી અને કોંગ્રેસ) કરતા અઢી ગણી વધુ બેઠક છે. ભાજપ 123 સીટ પર આગળ છે, યા જીત્યું છે, જ્યારે એમવીએ કદાચ પચાસથી નીચે સમેટાઈ જશે. મહાયુતિની વાત કરીએ તો નગર પરિષદની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેના 45 સીટ પર આગળ છે યા જીત્યું છે. ઉપરાંત, નગર પંચાયતની મતગણતરીમાં એનસીપી નગર પરિષદમાં 33 સીટ પર જીત્યું યા આગળ છે. નગર પંચાયત ચૂંટણીમાં એનસીપી ત્રણ સીટ પર આગળ છે. ભાજપ, એકનાથ શિંદે શિવસેના સહિત એનસીપી અજિત પવારની જીતને ત્રણેય નેતાઓએ વધાવી હતી, જ્યારે પાર્ટીના અન્ય નેતાઓએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
લોકો એનડીએ સાથે છે, એમવીએને નકાર્યુંઃ બાવનકુળે

મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ દાવો કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહાયુતિએ “સારી લીડ” મેળવી છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ આઘાડીને નકારી કાઢવામાં આવી છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે ભાજપ, અજિત પવારની એનસીપી અને શિંદેની શિવસેનાનો સમાવેશ કરતી મહાયુતિ આગળ છે, જોકે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સાંજે મોડી રાત્રે સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.
નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા બાવનકુળેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાયુતિએ સંપૂર્ણ તાકાતથી ખૂબ સારી આગેવાની લીધી છે અને લોકોએ કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)ને નકારી કાઢ્યા છે. આજે ઉજવણીનો દિવસ છે. મેં અગાઉ કહ્યું હતું કે ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકારો જ મહારાષ્ટ્રનો વિકાસ કરી શકે છે. તેમણે વધુમાં દાવો કર્યો કે નાગપુર જિલ્લાની ૨૭ બેઠકમાંથી ૨૨ બેઠક પર ભાજપ આગળ છે.
યુબીટીને આત્મનિરીક્ષણ કરવાની જરૂર

મહાયુતિ બે તૃતીયાંશ બેઠકો જીતશે. ભાજપ ૧૩૫થી વધુ બેઠકો જીતશે. લોકો વિકાસ, દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સાથે છે કારણ કે તેઓ મહારાષ્ટ્રનો વિકાસ ઈચ્છે છે. ભાજપને નગર પાલિકા ચૂંટણીમાં આટલી મોટી સફળતા ક્યારેય મળી નથી. હું મતદારો, ભાજપના કાર્યકરો, મુખ્ય પ્રધાન ફડણવીસ અને રાજ્ય ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણને અભિનંદન આપવા માંગુ છું,એમ તેમણે કહ્યું. બાવનકુળેએ એમ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)ને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
‘જબરજસ્ત સફળતા’ માટે કાર્યકરોનો આભારઃ ગડકરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપની ‘જબરજસ્ત સફળતા’ એ ‘કાર્યકરોનો વિજય’ છે. મહારાષ્ટ્રભરમાં ૨૮૬ નગર પરિષદો અને નગર પંચાયતોમાં પ્રમુખ અને સભ્યોના પદો માટેની ચૂંટણી માટે આજે ગણતરી કરવામાં આવી હતી. મહાયુતિની બમ્પર જીત અંગે ગડકરીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તમારું, અમારું, ભાજપ બધાનું છે અને આ કાર્યકરોનો વિજય છે. નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ સફળતા બદલ ભાજપના રાજ્ય પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કાર્યકરોની પ્રશંસા કરી. “આ કાર્યકરોનો વિજય છે. ભાજપની વિકાસલક્ષી કાર્યશૈલીમાં વિશ્વાસ જાળવી રાખીને તેને ટેકો આપનારા લોકોનો આભાર,” કેન્દ્રીય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું.
મહાયુતિ માટે નિર્ણાયક જનાદેશ’: ભાજપ પ્રમુખનો દાવો

મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે દાવો કર્યો કે તેમના પક્ષને નિર્ણાયક જનાદેશ મળ્યો છે કારણ કે મતદારોએ વિપક્ષની “બનાવટી વાર્તાઓ”ને નકારી કાઢી છે. ચવ્હાણે કહ્યું કે હવે ધ્યાન મુંબઈ પર રહેશે, જ્યાં ૧૫ જાન્યુઆરીએ ૨૮ અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાશે અને બીજા દિવસે મત ગણતરી થશે. તેમણે કહ્યું કે પ્રચાર દરમિયાન વિપક્ષે અનેક પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા, જેને જનતાએ ફગાવી દીધા હતા. ઉદ્ધવ ઠાકરેએ પોતે કહ્યું હતું કે તેમની પાસે લોકોને આપવા માટે કંઈ નથી અને તેથી જ તેમની પાર્ટીને નકારી કાઢવામાં આવી હતી. તેમનો પક્ષ કાઉન્સિલ અધ્યક્ષ પદ પણ બે આંકડામાં જીતી શક્યો નથી, એમ તેમણે દાવો કર્યો. હવે, મુંબઈવાસીઓ પણ આગામી બીએમસી ચૂંટણીઓમાં વિપક્ષના દાવાને નકારી કાઢશે, તેમણે ઉમેર્યું હતું.
ચૂંટણી પહેલા ફડણવીસ ગડકરી અને ભાજપના નેતાઓને મળ્યા
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને નાગપુરમાં આગામી નાગરિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ અને અધિકારીઓને મળ્યા હતા. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમસી) ની ચૂંટણી 15 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાશે. છેલ્લી નાગરિક ચૂંટણીમાં, ભાજપે 151 બેઠકોમાંથી 108 બેઠકો જીતી હતી, કોંગ્રેસે 28, બસપાએ 10 અને અવિભાજિત શિવસેના અને એનસીપીએ અનુક્રમે બે અને એક બેઠક જીતી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસે ગડકરી, ધારાસભ્ય પ્રવીણ દટકે, ભાજપ શહેર એકમના વડા દયાશંકર તિવારી, ઉપેન્દ્ર કોથેકર અને અન્ય સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. શનિવારે એક જાહેર સભા દરમિયાન, ગડકરીએ ભાજપ કાર્યકરોને પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારની પાછળ મજબૂત રીતે ઊભા રહેવા અને આગામી નાગપુર મેયર તેમના જ જૂથમાંથી હોય તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી.
વિપક્ષોના કાવતરાનો જડબાતોડ જવાબ આપ્યોઃ ધનંજય મુંડે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી નેતા ધનંજય મુંડેએ દાવો કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો દ્વારા લોકોએ પરલી અને બીડને બદનામ કરવાના વિપક્ષના કાવતરાને તોડી પાડ્યો છે. શરૂઆતના વલણોમાં ભાજપ, અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેનાનો સમાવેશ કરતી મહાયુતિ આગળ હોવાનું જણાઈ આવ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા અને ત્યારબાદ વણજારી અને મરાઠા સમુદાયો વચ્ચેના ઘર્ષણ જેવા મુદ્દાઓના કારણે આ પ્રદેશમાં “અરાજકતા” હોવાના વિપક્ષોના નિવેદનોના સંદર્ભમાં તેમણે કહ્યું કે આ લડાઈ એ લોકો સામે હતી જેમણે પરલીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા પરલીના ધારાસભ્ય મુંડેએ કહ્યું કે અમે મોટી જીત મેળવી છે. અમારા ગઠબંધનના લગભગ બધા ઉમેદવારો જીત્યા છે. ૨-૩ અપક્ષ ઉમેદવારો છે, અને તેઓ પણ મહાયુતિના છે. વિપક્ષે હવે પોતાની સ્થિતિ વિશે વિચારવું જોઈએ. તેમણે દાવો કર્યો કે અંબાજોગાઈ, ગેવરાઈ, બીડમાં પણ લોકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે કારણ કે મહાયુતિએ આ સ્થળોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતી છે.



