ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથનો દબદબો, પણ અમુક જગ્યાએ દાયકાઓ જૂના સામ્રાજ્યનો આવ્યો અંત

પાલઘર, સાંગલી અને નાંદેડમાં મોટો રાજકીય ઉલટફેર: જાણો ક્યાં કયા પક્ષે બાજી મારી
મુંબઈ/પાલઘર/નાશિક/નાંદેડ: મહારાષ્ટ્રમાં નગરપાલિકા અને નગર પંચાયત ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. આ ચૂંટણીમાં ભાજપ, શિંદે જૂથ અને અજિત પવારના એનસીપીનો વિજય થયો છે. જ્યારે વિદર્ભ અને અન્ય કેટલીક જગ્યાએ કોંગ્રેસ અને મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષોએ કેટલીક ચૂંટણીઓ જીતી છે. બીજી તરફ ઠાકરે જૂથે ફરી એકવાર મતદાન પ્રક્રિયા સામે વાંધો ઉઠાવીને શાસક પક્ષ અને ચૂંટણી પંચને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બધાની વચ્ચે અમુક પંચાયતોમાં ચોંકવનારા પરિણામો મળ્યા છે.
શિવસેનાએ પાલઘર અને દહાણુ કાઉન્સિલમાં પ્રમુખપદ જીત્યું, ભાજપને જવાર અને વાડા મળ્યા
પાલઘર જિલ્લામાં આ મહિને બે તબક્કામાં યોજાયેલી નગરપાલિકા અને નગર પંચાયતોની ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર કરવામાં આવ્યા, જેમાં ભાજપ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ વિજય મેળવ્યો હતો. સ્થાનિક ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, શિવસેનાએ પાલઘર અને દહાણુ નગર પરિષદમાં પ્રમુખ પદ જીત્યું, જ્યારે ભાજપે જવાહર નગર પરિષદ અને વાડા નગર પંચાયતમાં પ્રમુખ પદ મેળવ્યું હતું.
પાલઘર મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપના કૈલાશ મ્હાત્રેને હરાવી શિવસેનાના ઉમેદવાર ઉત્તમ ઘરાત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. દહાણુ મ્યુનિસિપલ કાઉન્સિલમાં, શિવસેનાના રાજુ માછીએ ટોચનું પદ મેળવ્યું, જ્યારે તેમના હરીફ ભાજપના ભરત રાજપૂતનો પરાજય થયો હતો. જવાર મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપના પૂજા ઉદાવંત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમણે એનસીપી (એસપી) ના રશ્મિન રિયાઝ મણિયારને હરાવ્યા હતા. વાડા નગર પંચાયતમાં, ભાજપના રીમા ગાંધેએ શિવસેનાના હેમાંગી પાટીલને હરાવીને પ્રમુખ પદ જીત્યું હતું.
આ પણ વાંચો: વિકાસ યોજનાઓ પર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ લડી: ફડણવીસ…
55 વર્ષ જૂના ભાજપના શાસનનો અંતઃ શિંદે અને ઠાકરે જૂથ એક થતા નવો ઇતિહાસ રચાયો
આ ચૂંટણીમાં સાંગલીની વીટા નગરપાલિકાની ચૂંટણી પરિણામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ ચૂંટણીમાં સાંગલીની વીટા નગરપાલિકાએ એક નવો ઇતિહાસ રચ્યો છે. વિટા નગરપાલિકામાં શિવસેનાના શિંદે જૂથનો ભવ્ય વિજય થયો હતો અને ભાજપની ૫૫ વર્ષ જૂની સત્તાનો અંત આવ્યો છે. આ જીતની ચર્ચા સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ રહી છે, કારણ કે આ ચૂંટણીમાં શિંદે જૂથને ઠાકરે જૂથ, કોંગ્રેસ અને શરદ પવાર જૂથનો ટેકો મળ્યો હતો.
વીટા મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા સદાશિવ પાટીલના ૫૫ વર્ષના શાસનનો અંત આવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ પદની ચૂંટણીમાં કાજલ મ્હેત્રેની જીત સાથે શિવસેના શિંદે જૂથે બાજી મારી, બીજી તરફ, નગરસેવક પદની ચૂંટણીમાં ૨૬ માંથી ૨૨ બેઠકો પર શિવસેના શિંદે જૂથે જીત મેળવી હતી, જ્યારે ભાજપને માત્ર ચાર બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો.
નાંદેડમાં એક જ પરિવારના ૬ ભાજપના ઉમેદવારોનો પરાજય
નાંદેડમાં લોહા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપે એક જ પરિવારના છ લોકોને મેદાનમાં ઉતાર્યા હોવાનું બહાર આવ્યું હતું. તેથી, વંશવાદના મુદ્દે કોંગ્રેસ પર સતત પ્રહારો કરતી ભાજપની ભૂમિકા અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ પણ જામી હતી.
લોહા નગરપરિષદના નગરાધ્યક્ષ પદ માટે ભાજપે ગજાનન સૂર્યવંશીની ઉમેદવારી જાહેર કરી હતી. જ્યારે નગરસેવક પદ માટે ગજાનન સૂર્યવંશીના પત્ની ગોદાવરી સૂર્યવંશી, ભાઈ સચિન સૂર્યવંશી, ભાઈના પત્ની સુપ્રિયા સચિન સૂર્યવંશી, સાળા યુવરાજ વાઘમારે અને ભાણેજની પત્ની રીના અમોલ વ્યવહારે, આ તમામ લોકોને ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે, જનતાએ આ તમામને નકારી દીધા હતા અને વંશવાદ માટે કોઈ સ્થાન નથી તેવું લોકોએ બતાવી દીધું હતું. બીજી તરફ નગરપાલિકા પ્રમુખપદ માટે શરદ પવારની એનસીપીએ વિજય મેળવ્યો છે.
લોહા રાષ્ટ્રવાદી અજીત પવાર જૂથના ધારાસભ્ય પ્રતાપ પાટીલ ચિખલીકરનો મજબૂત ગઢ માનવામાં આવે છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં પ્રતાપ પાટીલ ચિખલીકરનું વર્ચસ્વ રહ્યું છે. લોહા નગર પરિષદમાં કુલ દસ વોર્ડ છે અને ૨૦ નગરસેવકો માટે આ ચૂંટણી યોજાય છે.
મંગળવારે અરજી દાખલ કરવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસ, ભાજપ, એનસીપી અજિત પવાર, શિવસેના શિંદે જૂથ સહિત તમામ પક્ષોના ઉમેદવારોએ પોતાની અરજીઓ દાખલ કરી હતી. જોકે આ ચૂંટણીમાં ભાજપે બધી બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેણે એક જ પરિવારના છ લોકોને મેદાનમાં ઉતાર્યા હતા.
આ પણ વાંચો: રાજ્યની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં એક તરફી વિજય માટે ચૂંટણી પંચ અને મની પાવર જવાબદાર: વિરોધપક્ષનો આક્ષેપ
મરાઠી માટે ટ્રોલ થયેલા ભાજપના ઉમેદવાર ૧૩૦૦ મતથી જીત હાંસલ કરી
સિંધુદુર્ગ જિલ્લાની સાવંતવાડી નગરપાલિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના શ્રદ્ધારાજે સાવંત ભોસલે મોટા અંતરથી વિજયી થયા હતા. સાવંતવાડી સંસ્થાનના રાજવી પરિવારના સભ્ય એવા શ્રદ્ધારાજે ભોસલેએ અંદાજે ૧૩૦૦ મતોથી વિજય મેળવ્યો હતો. શ્રદ્ધારાજેની જીત બાદ ભાજપના કાર્યકરોએ ઉત્સાહભેર જીતની ઉજવણી કરી હતી. શ્રદ્ધારાજેએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે અચકાતા-અચકાતા મરાઠી બોલતા હોવાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
સાવંતવાડી પ્રમુખ પદ પર જીત મેળવનાર ભાજપના ઉમેદવાર શ્રદ્ધારાજે સાવંત ભોંસલે રાજવી પરિવારનો વારસો ધરાવે છે. તેઓ સાવંતવાડી સંસ્થાનના છેલ્લા રાજા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સ્વ. શ્રીમંત શિવરામરાજે ભોંસલેના પૌત્રી છે અને તેમના પતિ લખમ સાવંત ભોંસલે ભાજપ યુવા મોરચાના વર્તમાન રાજ્ય ઉપાધ્યક્ષ છે. ભાજપે નગરપાલિકાની ચૂંટણીમાં ઐતિહાસિક વારસો ધરાવતા સાવંતવાડી રજવાડાના રાજવી પરિવારમાંથી પ્રમુખપદના ઉમેદવાર ઉતારીને મોટો રાજકીય દાવ ખેલ્યો હતો. સાવંતવાડીના વિકાસમાં સાવંતવાડી રજવાડાનું મોટું યોગદાન માનવામાં આવે છે.
ભાજપના શ્રદ્ધા સાવંત ભોસલેની સામે ઉદ્ધવ ઠાકરે જૂથના સીમા મઠકર, અપક્ષ અન્નપૂર્ણા કોરગાંવકર, અપક્ષ નિશાદ બુરાણ અને શિવસેના તરફથી એડવોકેટ નીતા કવિટકર, જ્યારે કોંગ્રેસ તરફથી સાક્ષી વણજારી મેદાનમાં હતા. સાવંતવાડી નગરપાલિકા માટે શિવસેના તરફથી દીપક કેસરકર પોતે ઉમેદવારો માટે મેદાનમાં ઉતર્યા હતા.
સ્વબળે ચૂંટણી લડી શિવસેનાના પાલકર દંપતીએ વિજય હાંસલ કરી
અલીબાગ નગરપાલિકાની ચૂંટણીમાં શિવસેના (યુબીટી) જૂથે ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી છે. મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી અંગેની ચર્ચા દરમિયાન ઠાકરે જૂથે માત્ર એક જ બેઠકની માંગ કરી હતી, પરંતુ શેતકરી કામગાર પક્ષે એક પણ બેઠક આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા ઠાકરે જૂથે સ્વબળ પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય બાદ મેદાનમાં ઉતરેલા પાલકર દંપતીએ શાનદાર વિજય મેળવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, ઠાકરે સેનાએ આ ચૂંટણીમાં માત્ર બે જ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, અને બંને ઉમેદવારો વિજયી થતા અલીબાગમાં ઠાકરેનો સ્ટ્રાઈક રેટ ૧૦૦ ટકા રહ્યો છે. મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીમાં સ્થાન ન મળવા છતાં, પોતાના દમ પર મેદાનમાં ઉતરીને વિજય મેળવવો એ ઠાકરે જૂથ માટે એક મોટી રાજકીય સિદ્ધિ માનવામાં આવી રહી છે. બીજી એક મહત્વની બાબત એ છે કે પાલકર દંપતીના પ્રચાર માટે જિલ્લાના કોઈ મોટા નેતા, ધારાસભ્ય કે સાંસદ મેદાનમાં ઉતર્યા નહોતા. સંપૂર્ણપણે સ્થાનિક સંગઠન, કાર્યકરોની મહેનત અને નાગરિકો સાથેના સીધા સંવાદના જોરે આ વિજય હાંસલ કરવામાં આવ્યો છે. તેથી આ જીત ગ્રાઉન્ડ લેવલના રાજકારણનું એક ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.
આજના પરિણામો પરથી સ્પષ્ટ થયું છે કે અલીબાગ નગરપાલિકા વિસ્તારમાં ઠાકરેની ‘મશાલ’ આજે પણ પ્રજ્વલિત છે. મર્યાદિત સંસાધનો અને રાજકીય દબાણ હોવા છતાં, પક્ષે આ વિજય દ્વારા સાબિત કરી દીધું છે કે તેમની ઓળખ અને જનાધાર આજે પણ અકબંધ છે. એકંદરે, અલીબાગ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ ઠાકરે જૂથ માટે આત્મવિશ્વાસ વધારનારી રહી છે, અને પાલકર દંપતીની જીતથી અલીબાગના રાજકારણમાં નવા સમીકરણોની શરૂઆત થવાની ધારણા છે.



