રેલવે સ્ટેશનના બોર્ડ પર ઉર્દૂમાં નામ સામે ભાજપનો વિરોધ

છત્રપતિ સંભાજી નગર: ઉર્દૂ લિપિમાં લખેલું ‘છત્રપતિ સંભાજી નગર‘ નામ રેલવે સ્ટેશન પર બોર્ડ પરથી હટાવી દેવામાં આવે એવી માંગણી ભાજપના વિધાન પરિષદના સભ્ય સંજય કેનેકરે મંગળવારે કરી હતી.
ત્રણ વર્ષ પહેલા નામ બદલી નાખ્યા બાદ ગયા અઠવાડિયે સરકારે ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર સ્ટેશન રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમની દલીલ હતી કે ‘સરકારી નોટિફિકેશનમાં ઉર્દૂની ભાષાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તો એ ભાષા બોર્ડ પર કેમ લખવામાં આવી રહી છે. નોટિફિકેશનમાં માત્ર હિન્દી, અંગ્રેજી અને મરાઠીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉર્દૂમાં નામ જોઈ હી ચોંકી ગયો હતો.’
આપણ વાચો: ઓરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરાયું
ભાજપના સભ્યએ વધુમાં જણાવ્યું હતું કે ‘શું રેલવે અધિકારીના સંબંધીઓ મુઘલો સાથે કામ કરતા હતા? મેં તેમને ફોન કરી ફેરફાર કરવા કહ્યું. આપનો ઈતિહાસ મિટાવી દેવાનો પ્રયાસ કરનારા અનેક શાસકોનો દેશે સામનો કર્યો છે. ઉર્દૂમાં નામ લખવું એ નિઝામી ભાષા આપણા પર થોપવાનો પ્રયાસ છે.’
ઓલ ઈન્ડિયા મજલિસ – એ – ઈત્તેહાદુલ મુસ્લિમીન પક્ષના મહારાષ્ટ્ર અધ્યક્ષ અને ભૂતપૂર્વ સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે ‘અમે અહીં મેન્ટેનન્સ ટ્રેકના ઉદ્ઘાટનની અપેક્ષા રાખતા હતા, પરંતુ તેઓ બોર્ડનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. જો તેઓ (ભાજપ) અન્ય ભાષાઓ નથી જાણતા, તો એ તેમની સમસ્યા છે. ઉર્દૂ નામનો વિરોધ કરનારાઓએ નોંધવું જોઈએ કે ભાજપના સર્વોચ્ચ નેતા બિરાજમાન છે એ દિલ્હીના રેલવે સ્ટેશન પર પંજાબી નામની સાથે ઉર્દૂ નામ પણ છે. (પીટીઆઈ)



