ખુદ નેતાના ખુલાસા બાદ પણ મુખ્ય પ્રધાનપદ માટે આ ચહેરાની ચર્ચાઃ ફડણવીસને પક્ષ ફરીથી આપશે ઝટકો?
પૂણેઃ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મહાયુતિ તરફથી હજુ સુધી મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી નથી, જેને કારણે શપથ ગ્રહણ સમારોહમાં તો વિલંબ થઈ જ રહ્યો છે ઉપરાંત મુખ્ય પ્રધાન પદ માટે નિત નવા નામો સાંભળવા મળે છે. ભાજપ તરફથી મુખ્ય પ્રધાન પદ માટે જે વિવિધ નામોની ચર્ચા થઈ રહી છે. તેમાં પૂણેના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પણ સામેલ છે. એવું જ એક નામ છે – મુરલીધર મોહોલ. શનિવારે મોડી રાતથી અચાનક જ મુખ્ય પ્રધાન તરીકે તેમના નામની ચર્ચા થવા માંડી હતી, પરંતુ હવે મોહોલે પોતે જ ખુલાસો કરીને આ ચર્ચા પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. “સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદ માટે મારા નામની ચર્ચા અર્થહીન અને દૂરની વાત છે,” એમ મોહોલે એક પોસ્ટમાં લખ્યું છે.
મુખ્ય પ્રધાનની ચર્ચા અંગે વધુ વાત કરતા ડો મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, “અમે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના અમારા નેતા શ્રી દેવેન્દ્રજીના નેતૃત્વમાં લડ્યા હતા.” તેઓ આડકતરી રીતે એવું સૂચન કરી રહ્યા છે કે ફડણવીસ મુખ્ય પ્રધાન પદના દાવેદાર છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ ઐતિહાસિક મત આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં પક્ષની શિસ્ત અને પક્ષનો નિર્ણય સર્વોપરી છે. આવા નિર્ણયો સંસદીય બોર્ડમાં સર્વસંમતિથી લેવામાં આવે છે, સોશિયલ મીડિયા પર નહીં. તેથી તેમના નામની ચર્ચા અર્થહીન છે.
Also read: ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ
મુરલીધર મોહોલનું નામ કેમ ચર્ચામાં આવ્યું?
હવે અહીં આપણને સવાલ થાય કે સાવ અજાણી વ્યક્તિ એવા મુરલીધર મોહોલનું નામ કેમ ચર્ચામાં આવ્યું તો એનો જવાબ એ છે કે એવા સંકેતો મળ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપને મરાઠા મુખ્ય પ્રધાનને તક આપવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની હેઠળની ભાજપ અણધાર્યા નિર્ણયો સાથે આશ્ચર્યજનક રણનીતિ માટે જાણીતી છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે ઘણા અનુભવી નેતાઓને બદલે નવા ચહેરાઓને તક આપી હોવાનું જોવા મળ્યું હતું. જો આ જ પેટર્ન મહારાષ્ટ્રમાં પણ અનુસરવામાં આવે તો મુરલીધર મોહોલ જેવા યુવા નેતાને તક મળી શકે છે. પૂણેના પૂર્વ મેયર મુરલીધર મોહોલ મરાઠા સમુદાયના છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા છે અને તેઓ ભાજપના હિન્દુત્વ ચહેરા તરીકે ઓળખાય છે. આ વર્ષે પહેલીવાર સાંસદ બનેલા મોહોલને પણ કેન્દ્રીય કેબિનેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં મોહોલનું નામ મુખ્ય પ્રધાન પદ માટે ચર્ચાઈ રહ્યું હતું. હવે ખુદ મોહોલે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરીને મુખ્ય પ્રધાન તરીકે તેમના નામ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
શું ફડણવીસને પક્ષ ફરથી આપશે ઝટકો?
રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે નિત નવા નામ ચર્ચાયા કરે છે, એમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ તો ક્યાંય નથી લેવાતું, તેથી એવી શંકા જાય છે કે ફડણવીસને પક્ષ ફરથી ઝટકો આપશે?.શાસક મહાયુતિ ગઠબંધને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને 288 બેઠકોમાંથી 230થી વધુ બેઠકો મેળવી હતી. ભાજપને 132 સીટો મળી હતી, ત્યારબાદ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 57 અને અજિત પવારની આગેવાનીવાળી એનસીપીને 41 સીટો મળી હતી. આ ઉપરાંત પાંચ અપક્ષ સભ્યોએ ભાજપને સાથ આપવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. ભાજપ અને અજિત પવારની એનસીપીએ ફડણવીસને મુખ્ય પ્રધાન પર માટે સમર્થન આપ્યું છે, પણ કાર્યવાહક મુખ્યપ્રધાન શિંદે પણ આ પદ માટે દાવો ઠોકી રહ્યા છે અને અન્યથા કેટલાક મહત્વના ખાતાઓ માગી રહ્યા છે, જેને કારણે ભાજપ હાઇકમાન્ડ મુશ્કેલીમાં મૂકાયું છે.
ભાજપે મુખ્ય પ્રધાન પદ માટે વિનોદ તાવડેના નામનો પણ વિચાર કર્યો હતો, વચ્ચે ક્યાંક ચંદ્રશેખર બાવનકુળેનું નામ પણ આ પદ માટે ચર્ચામાં આવ્યું હતું, તો ક્યાંકથી સ્વ.ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડેના નામની પણ અફવા ફેલાઇ હતી. તેમાં વળી શનિવારે રાતથી મરાઠા સમુદાયમાંથી આવતા પૂણેના પૂર્વ મેયર અને આરએસએસ સાથે જોડાયેલા મુરલીધર મોહોલનું નામ મુખ્ય પ્રધાન તરીકે ગાજવા માંડ્યું હતું. આમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની હેઠળની ભાજપ આશ્ચર્યજનક રણનીતિ માટે જાણીતી છે.
Also read: નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં લગાવવામાં આવ્યા પોસ્ટર્સ
ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાનની જેમ રાજ્યમાં પણ નવું નામ ખુલાવાની ચર્ચાઓ ચાલી રહી છે. 2022માં એકનાથ શિંદે શિવસેનામાંથી છુટ્ટા પડી ભાજપ સાથે જોડાયા ત્યારે પણ ફડણવીસનું નામ મુખ્ય પ્રધાન તરીકે લેવાતું હતું, પરંતુ તેમણે નાયબ મુખ્ય પ્રધાનના પદથી સંતોષ માનવો પડ્યો હતો.
મરાઠા અજિત પવારને સત્તામાં નિયંત્રણમાં રાખવા અને સત્તાનું સંતુલન સાચવવા ભાજપ માટે એકનાથ શિંદેનો સાથ પણ એટલો જ જરૂરી છે. શિંદેને ખુશ કરવા માટે કદાચ દેવેન્દ્ર ફડણવીસનો ભોગ લેવાઇ જશે અને આ વખતે પણ મુખ્ય પ્રધાનપદની ખુરશી તેમના હાથમાંથી સરકી જશે, એવી અટકળોએ જોર પકડ્યું છે.