Maharashtra politics: 2024 માં જીત પાક્કી છે એમ ના સમજતા…. ભાજપના આ નેતાએ કાર્યકર્તાઓને કેમ આપી આવી સલાહ?

મુંબઇ: ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે એવી ચર્ચાઓ થવા લાગી છે. આવા સમયે મહારાષ્ટ્રના ભાજપના એક મોટા નેતાએ 2024માં જીત પાકી છે એમ ન સમજતા એવી સલાહ અને ચેતવણી આપી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના કાર્યકર્તાઓને જગાવવાનો પ્રયાસ કરતાં પોતાની જીતને લઇને આત્મમૂગ્ધ ન રહેતાં 2024ની લોકસભાની ચૂંટણીને ગંભીરતાથી લેવાની સલાહ આપી હતી. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત પાક્કી છે એમ સમજીને તમારે કામ કરવાનું બંધ ન કરવું જોઇએ.
ભાજપની રાજ્ય કાર્યકારણીની એક બેઠકમાં બોલતી વખતે દેવેન્દ્ર ફડણવીસે પક્ષના કાર્યકર્તાઓને કહ્યું કે, તમારે સામાન્ય માણસ અને ગરીબો સાથે જોડાવવું જોઇએ જે ભાજપના મતદારો છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપના પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષો ઉપસ્થિત હતાં. તેમણ કહ્યું કે આપડી જીત પાકી છે એમ સમજીને નિશ્ચિંત થઇને પ્રયાસો બંધ ના કરી દેતાં. અને ટિકીટ કોને મળશે એની ચિંતા તમે ના કરતાં.
દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કાર્યકર્તાઓને ગરીબો, ખેડૂતો, મહિલા અને યુવા વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. ફડણવીસે કહ્યું કે, સમાજના આ ચારે વર્ગોને નરેન્દ્ર મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે જાતિ સંબંધીત મુદ્દાઓ અનેક છે પણ પાર્ટી કાર્યકર્તાઓએ જાતી વીશે ના વિચારવું જોઇએ.