ખર્ગેએ મહાકુંભ પર ટિપ્પણી કરીને હિન્દુઓની ભાવનાઓનું અપમાન કર્યું: ભાજપ

મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ મંગળવારે એવો દાવો કર્યો હતો કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખર્ગેએ પ્રયાગરાજના સંગમમાં પવિત્ર ડૂબકી લગાવતા ભગવા પક્ષના નેતાઓ પર તેમની ‘અસંવેદનશીલ’ ટિપ્પણીઓ દ્વારા હિન્દુઓની ભાવનાઓનું અપમાન કર્યું છે.
રાજ્યના મહેસૂલ પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં એવો આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ સતત હિન્દુ માન્યતાઓ અને પરંપરાઓનું અપમાન કરે છે અને એક ચોક્કસ સમુદાયનું ‘તુષ્ટિકરણ’ કરે છે.
ખર્ગેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ કેમેરામાં દેખાવા માટે સંગમમાં ડૂબકી લગાવવા એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે અને પૂછ્યું કે શું તેમના સંગમ સ્નાનથી દેશની ગરીબી દૂર કરવામાં મદદ મળશે?
‘જો કોઈને દુ:ખ થયું હોય, તો હું માફી માંગુ છું,’ એમ કોંગ્રેસ વડાએ મધ્યપ્રદેશના મહુ શહેરમાં ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ રેલીને સંબોધિત કરતી વખતે કહ્યું હતું.
ખર્ગેની ટિપ્પણી એવા દિવસે આવી જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચાલી રહેલા મહાકુંભ દરમિયાન સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
આ પણ વાંચો : 76th Republic Day: વડા પ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી, મલ્લિકાર્જુન ખડગેએ પણ આપ્યો સંદેશ…
‘જ્યાં લાખો હિન્દુઓ ભક્તિ અને શ્રદ્ધા સાથે ભાગ લે છે તે કુંભ મેળા જેવા પવિત્ર સ્થાનની મજાક ઉડાવીને ખર્ગેએ ગંગાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની ભાવનાઓનું અપમાન કર્યું છે, એમ ભાજપના નેતાએ કહ્યું હતું.
ગંગા નદીમાં સ્નાન કરવાથી ગરીબી દૂર થશે કે નહીં તે પ્રશ્ર્ન પર બાવનકુળેએ ખર્ગેની ટીકા કરી હતી.
‘આ નિવેદન માત્ર વાહિયાત જ નથી પણ ખૂબ જ ગુસ્સો અપાવનારું છે. હિન્દુઓએ હંમેશા સહિષ્ણુતા દર્શાવી છે, પરંતુ ખર્ગેને તેમની શ્રદ્ધાની મજાક ઉડાવવાનો અધિકાર કોણે આપ્યો? કોંગ્રેસ હિન્દુના મતો માગે છે, છતાં તે હિન્દુઓ પ્રત્યે આટલો તિરસ્કાર રાખે છે. હિન્દુઓએ શું ખોટું કર્યું છે? શું એ તેમની ભૂલ છે કે તેમણે કોંગ્રેસને છ દાયકાથી વધુ સમય સુધી આ દેશમાં શાસન કરવાની મંજૂરી આપી?’ એમ તેમણે પૂછ્યું હતું.
‘કોંગ્રેસ હંમેશા એક ચોક્કસ સમુદાયને મદદ કરતી રહી છે જ્યારે હિન્દુ બહુમતીની માન્યતાઓની મજાક ઉડાવતી રહી છે. લોકસભામાં 99 બેઠકો હોવા છતાં, તેઓ હિન્દુ લાગણીઓનો આદર કરવામાં નિષ્ફળ જાય છે. જો તેઓ લોકોની શ્રદ્ધાનો આદર કરી શકતા નથી, તો તેમણે ઓછામાં ઓછું તેનું અપમાન કરવાનું ટાળવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
‘આજે, તેઓ કુંભ મેળાની મજાક ઉડાવે છે. કાલે, જો ભૂલેચૂકે કોંગ્રેસ સત્તામાં આવશે, તો શું તેઓ કુંભ મેળા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકશે? એવી ચિંતા દેશભરના હિન્દુઓને સતાવે છે,’ એમ ભાજપના નેતાએ કહ્યું હતું.