મહારાષ્ટ્ર

ભુજબળ ઓબીસીનો અવાજ છે: ફડણવીસ

‘ભ્રષ્ટાચાર અંગે ભાજપના બેવડા ધોરણોનો પર્દાફાશ થયો’: વિપક્ષ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે છગન ભુજબળને ‘ઓબીસીનો અવાજ’ ગણાવીને પ્રધાનમંડળમાં સામેલ કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો, જ્યારે વિપક્ષોએ ભાજપ પર ભ્રષ્ટાચાર અંગે ‘બેવડા ધોરણ’ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામેના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો.

77 વર્ષના ભુજબળને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન દ્વારા રાજભવન ખાતે નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં શપથ લેવડાવ્યા હતા.

‘ભુજબળ એક વરિષ્ઠ નેતા અને ઓબીસીનો અવાજ છે. વિવિધ વ્યક્તિઓ પર વિવિધ લોકોના અલગ અલગ મંતવ્યો છે. ભુજબળ સરકારને મદદરૂપ થશે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: ઓબીસી અનામતનો મુદ્દો ફરી ઊઠતા મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ રખડી શકે

‘એનસીપીએ ભુજબળને પ્રધાન મંડળમાં સામેલ કરવા માટેની ભલામણ કરી હતી અને અમે તેનું સ્વાગત કર્યું છે,’ એવા શબ્દોમાં કાર્યકર્તા અંજલી દમણિયા દ્વારા સરકાર પર ભ્રષ્ટ રાજકારણીઓના ‘પ્રતીકાત્મક’ વિરોધ માટે આક્ષેપ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે મુખ્ય પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું.

અજીત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ ભુજબળની સિનિયોરીટી અને મહારાષ્ટ્ર સદન કેસમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલી ‘ક્લીનચીટ’નો હવાલો આપ્યો હતો.

‘યેવલા (ભુજબળનો મતવિસ્તાર)ના લોકોએ ભુજબળને પ્રચંડ જનાદેશથી ચૂંટ્યા હતા. તેઓ એનસીપીના એક વરિષ્ઠ નેતા છે જે દેશભરમાં ઓબીસીના અધિકારો માટે લડી રહ્યા છે. લોકો તેમના કેબિનેટમાં પ્રવેશની ઉજવણી કરશે એ સ્પષ્ટ છે,’ એમ પક્ષના પ્રવક્તા આનંદ પરાંજપેએ મીડિયાને જણાવ્યું હતું.

આ પણ વાંચો: ઉતાવળે કોઈ નિર્ણય નહીં, ઓબીસી નેતાઓને મળીશ: છગન ભુજબળ…

નાસિક જિલ્લાના વતની ભુજબળને સાથે રાખીને ઉત્તર મહારાષ્ટ્ર જિલ્લાના પાલક પ્રધાન કોણ બનશે તે અંગેનો પેન્ડિંગ મુદ્દો ફરી ઉગ્ર બને તેવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે ભાજપ અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના વચ્ચે મતભેદો છે.

‘એનસીપીનું વલણ પહેલા દિવસથી સ્પષ્ટ છે. પાલક પ્રધાનોની નિમણૂંક એ મુખ્ય પ્રધાનનો વિશેષાધિકાર છે. આ મુદ્દે ફડણવીસ જે પણ નિર્ણય લેશે તેનું અમે સન્માન કરીશું,’ એમ પણ પરાંજપેએ ઉમેર્યું હતું.

ભુજબળ દ્વારા પ્રધાન તરીકે શપથ લેવામાં આવ્યા તેના પર કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)એ ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારની ટીકા કરી હતી.

આ પણ વાંચો: … તો દલિત, ઓબીસી-આદિવાસી સમુદાયના લોકોને થનારો અન્યાય દૂર થશેઃ રાહુલ ગાંધી…

‘ભુજબળ આજે ભાજપના વોશિંગ મશીનમાં સાફ થઈ ગયા છે. ભાજપે હવે ભુજબળને યોગ્ય ઠેરવ્યા છે, જેમના પર ઈડી દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ‘સત્તા માટે ભાજપ ગમે તે હદ સુધી જઈ શકે છે અને કંઈ પણ કરી શકે છે, એ ફરી એકવાર સાબિત થયું છે,’ એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું.
એનસીપી (એસપી)ના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર પર ભાજપના ‘બેવડા ધોરણો’ ખુલ્લા પડી ગયા છે.

‘ભાજપનો નવો મંત્ર – પહેલા, અમે તમને ભ્રષ્ટ કહીએ છીએ, પછી અમે તમને લઈએ છીએ, પછી અમે તમને ધોઈએ છીએ, પછી તમે જીતી જાઓ છો. ભાજપે છગન ભુજબળને ભ્રષ્ટ છે તે સાબિત કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ આજે તે જ વ્યક્તિને દેવેન્દ્ર ફડણવીસના પ્રધાન મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપનો અર્થ બેવડા ધોરણો છે,’ એમ ક્રાસ્ટોએ કહ્યું હતું.

અંજલી દમણિયાએ કહ્યું હતું કે, ભુજબળનો સમાવેશ દર્શાવે છે કે ભ્રષ્ટાચાર પર મોટી મોટી વાતો પ્રતીકાત્મક છે અને ભ્રષ્ટ રાજકારણીઓને સ્પર્શી શકાતા નથી.

‘ભુજબળ 2.5 વર્ષથી ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં હતા,’ એ બાબત તેમણે ધ્યાનમાં લાવી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button