ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં 40 પ્રવાસીને થયું ફૂડ પોઇઝનિંગ, પુણે રેલવે પ્રશાસનની ઊંઘ હરામ

પુણે: ચેન્નઇથી પુણે કરફ આવી રહેલ ભારત ગૌરવ ટ્રેનમાં મુસાફરોને ફૂડ પોઇઝનીંગ થયું હોવાની વિગતો જાણવા મળી છે. મુસાફરોની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાત્કાલીક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઉપરાંત સસૂન હોસ્પિટલમાં પણ મુસાફરોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 40 મુસાફરોને ફૂડ પોઇઝનીંગ થયું હોવાની જાણકારી મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભારત ગૌરવ યાત્રા ચેન્નઇથી પુણે તરફ આવી રહી હતી. ટ્રેનોમાંથી પેન્ટ્રી કાર કાઢવામાં આવી હોવા છતાં આ વિશેષ ટ્રેનમાં ખાવા-પીવાની સુવિધા આપવામાં આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ ચેન્નઇથી પુણે તરફ આવી રહેલ ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં 40 મુસાફરોને ફૂડ પોઇઝનીંગ થતાં તેમની સારવાર અંગે પુણે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. અડધી રાતે આ વિશેષ ટ્રેન પુણે રેલવે સ્ટેશન પર પહોંચી હતી. પ્લેટફોર્મ પર જ જે લોકોને ફૂડ પોઇઝનીંગ થયું હતું તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને સસૂન હોસ્પિટલમાં ખસેડવામાં આવનાર છે. સસૂન હોસ્પિટલમાં આ મુલસાફરો માટે 40 બેડ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા અંતરની ટ્રેનમાં ખાણી-પીણીની સુવિધા અને પેન્ટ્રી કાર કાઢી નાંખવાને કારણે લોકોને ફ્રેશ ફૂડ મળતું નથી. ઘણી વાર સવરાના ફૂડ પેકેટ સાંજે અને રાતે આપવામાં આવે છે. ત્યારે આવી દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. તેથી રેલવે મુસાફર ગ્રુપના અધ્યક્ષ હર્ષા શાહે ટ્રેનમાં ફરી પેન્ટ્રી કાર શરુ કરવાની માંગણી કરી છે.