ભંડારાના પાલક પ્રધાન બદલાયા: પૂર વખતે ગેરહાજર રહેવાની સજા ફડણવીસ સરકારનો મોટો નિર્ણય
મોટા નેતાને હટાવાયા હોવાથી રાજકીય વર્તુળોમાં ગરમાગરમ ચર્ચા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં એકતરફ ગણેશોત્સવ શરૂ થવાનો છે ત્યારે ફડણવીસની સરકારે એક મોટા નિર્ણયમાં ભંડારા જિલ્લાના પાલક પ્રધાનને બદલવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના વસ્ત્રોદ્યોગ પ્રધાન સંજય સાવકરે ભંડારાના પાલક પ્રધાન હતા. હવે તેને સ્થાને ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ભોયરને આ જવાબદારી સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ભોયરને ભંડારા જિલ્લાના પાલક પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વર્તમાન પાલક પ્રધાન સંજય સાવકરેને બુલઢાણા જિલ્લાના સંયુક્ત પાલક પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ મોટા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે અને સંજય સાવકરેને કેમ હટાવવામાં આવ્યા? તે અંગે હવે મિશ્ર ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો: અમૃત 2.0 હેઠળના બાકી પ્રોજેક્ટ્સ 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરો: ફડણવીસ
મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રકાશિત એક પત્રિકામાં આ ફેરફાર વહીવટી કારણોસર કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ આ કારણ ગળે ઉતરતું નથી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફેરફાર બાદ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોને નવી ગતિ મળશે.
જોકે, ખાનગીમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે સાવકરે પૂર્ણ-સમયના પાલક પ્રધાન તરીકે ઉપલબ્ધ નહોતા એવી તેમની સામે ફરિયાદ હતી. કહેવાય છે કે આ જ કારણસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાવકરે ફક્ત વાર-તહેવારે ભંડારા આવતા હતા. ભંડારામાં જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પણ તેઓ જોવા મળ્યા નહોતા અને તેને કારણે લોકોમાં તેમના વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી હતી. તે સમયે એવી પણ માગણી કરવામાં આવી હતી કે ભંડારાને નજીકના જિલ્લાનો પાલક પ્રધાન આપવામાં આવે.
આ પણ વાંચો: રાજ ઠાકરે-ફડણવીસની મુલાકાત પછી શિવસેના (યુબીટી)-મનસે ગઠબંધન ખતમ?
બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે રાજ્યમાં આગામી દિવસોમાં મ્યુનિસિપલ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે. આવા સમયે સાવકારે સામેની નારાજી ભાજપને ભારે પડી શકે એવું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું માનવું હતું. બીજી તરફ ભોયર મુખ્ય પ્રધાનના ખાતામાં જ હોવાથી તેમની સાથે સતત સંપર્ક જાળવીને ભંડારામાં રાજકીય ઉથલપાથલ કરવાનું મુખ્ય પ્રધાન માટે સહેલું બની રહેશે.
વાસ્તવમાં અત્યારે ભંડારામાં શિંદે સેનાના વિધાનસભ્ય નરેન્દ્ર ભોંડેકર છે. 2014માં અહીં ભાજપના વિધાનસભ્ય હતા અને 2019માં અપક્ષ ઉમેદવાર તરીકે નરેન્દ્ર ભોંડેકરે ભાજપ પાસેથી આ મતદારસંઘ છીનવી લીધો હતો. 2014માં ભોંડેકરે શિંદે સેનાની ટિકિટ પરથી અહીં વિજય મેળવ્યો હતો, પરંતુ હવે ભાજપ ફરી એક વખત ભંડારાનો ગઢ કબજે કરવાનો હેતુ ધરાવે છે. આના પગરણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓમાંથી નાખી શકાય તે માટે ભોયરને પાલક પ્રધાન બનાવવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.