અજંતાની ગુફામાં વિદેશી પ્રવાસીઓ પર મધમાખીઓનો હુમલો

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં વિશ્વ વિખ્યાત અજંતા ગુફા પરિસરમાં મધમાખીઓએ વિદેશી પ્રવાસીઓના ગ્રુપ પર હુમલો કર્યો હતો, જેમાં એક ઓસ્ટ્રેલિયન નાગરિકને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
બુધવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ગ્રુપના ૧૦ સભ્યોને મધમાખી કરડી હતી. “ડેક્કન ઓડિસી લક્ઝરી ટ્રેનમાં મુસાફરી કરીને છત્રપતિ સંભાજીનગર શહેરમાં તેત્રીસ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા.
આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ : અમાપ વ્યોમ સુધી વ્યાપેલા દુર્ગમ પહાડો વચ્ચે વસેલું મનમોહક સામ્રાજ્ય મિડલ લૅન્ડ – સ્પિતિ
આ પ્રવાસીઓ અજંતા ગુફાઓની મુલાકાતે હતા ત્યારે તેમાંના લગભગ ૧૦ પ્રવાસીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક ઓસ્ટ્રેલિયન પ્રવાસીને સામાન્ય ઈજા થઈ હતી,” સ્થાનિક ટૂર ઓપરેટર જસવંત સિંહે જણાવ્યું.
આ ઘટના ગુફા નંબર ૧૦ નજીક બની હતી. એક તબીબી ટીમ અને અન્ય મુલાકાતીઓને પાલખીમાં લઈ જનારાઓએ આ પ્રવાસીઓને મદદ કરી. તેમને વધુ તબીબી સારવારની જરૂર નહોતી,” તેમણે કહ્યું.
આ ઘટના બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ના કાર્યાલયે મુલાકાતીઓ માટે ગુફા નંબર ૧૦ને થોડા સમય માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.