મહારાષ્ટ્ર

બીડમાં સ્થળાંતરી શેરડીના મજદૂરોના બાળકો માટે ૧૧ હોસ્ટેલ માટે ૧૫૯ કરોડ મંજૂર: સુનેત્રા પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અજિત પવારના અકાળ નિધન બાદ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદ અને પુણે તથા બીડ જિલ્લાના પાલકપ્રધાનની જવાબદારી તેમના પત્ની સુનેત્રા પવાર પાસે આવી છે. ગુરુવારે તેમણે બીડ જિલ્લામાં સ્થળાંતરિત શેરડીના કામદારોના બાળકો માટે ૧૧ સરકારી હૉસ્ટેલ બાંધવા માટે ૧૫૯.૩૬ કરોડના ખર્ચ માટે વહીવટી મંજૂરી આપી હતી. એ સાથે જ તેમણે ગુરુવારે પુણે જિલ્લા નિયોજન મંડળની બેઠકમાં પાલક પ્રધાન તરીકે પહેલી વખત તેમણે હાજરી પૂરાવી હતી અને આગામી વર્ષનું નિયોજન કરીને પ્રાથમિકતાના ધોરણે કામ સમયસર પૂરા કરવાની સૂચના અધિકારીઓને આપી હતી.

બીડ અને પુણેના પાલક પ્રધાન સુનેત્રા પવાર ગુરુવારે પુણે જિલ્લા નિયોજન સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કામનો સવિસ્તર અહેવાલ લીધો હતો અને અધિકારીઓને તમામ કામનું પ્લાનિંગ કરીને તેને પ્રાથમિકતા મુજબ પ્રત્યક્ષમાં કામ કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. એ દરમ્યાન જ તેમણે બીડમાં પણ વિકાસને લગતા જુદા જુદા વિષયો પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

સુનેત્રા પવારે ગુરુવારે જણાવ્યું હતું કે સંત ભગવાન બાબા સરકારી છાત્રાલય યોજના હેઠળ બીડમાં શેરડીના સ્થળાંતરિત મજૂરોના બાળકો માટે હૉસ્ટેલ બનાવવામાં આવશે. અહીં આ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. તેમના બાળકો કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના તેમનો અભ્યાસ અહીં રહીને ચાલુ રાખી શકશે.

આ યોજના હેઠળ રાજ્ય સરકારે શેરડી કામદારોની સંખ્યા વધુ હોય તેવા ૪૧ તાલુકામાં છોકરાઓ અને છોકરીઓ બંને માટે ૪૧-૪૧ એમ કુલ ૮૨ હૉસ્ટેલ સ્થાપવાની મંજૂરી ગુરુવારે આપવામાં આવી હતી. દરેક હૉસ્ટલેની ક્ષમતા ૧૦૦ વિદ્યાર્થીઓની હશે. પહેલા તબક્કામાં ૨૦ હૉસ્ટેલ (છોકરાઓ માટે ૧૦ અને છોકરીઓ માટે ૧૦) મંજૂર કરવામાં આવી હતી. હવે બાકીની ૬૨ હૉસ્ટેલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. એકલા બીડ જિલ્લામાં સામાજિક ન્યાય વિભાગ દ્વારા સરકારી ઠરાવ દ્વારા બાવીસ છાત્રાલયને મંજૂરી આપવામાં આવી છે.

સુનેત્રા પવારે જણાવ્યું હતું કે સ્વર્ગીય અજિત પવારનું સ્વપ્ન હતું કે શેરડીના કામદારોના બાળકો શિક્ષણ મેળવે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય. અજિત પવારને હોસ્ટલને નિર્માણ માટેના પ્રસ્તાવ પર સતત ધ્યાન રાખ્યું હતું અને અનેક સ્થળોએ જમીનની ઓળખ પણ કરી રાખી હતી.

સુનેત્રા પવારે વધુમાં કહ્યું હતું કે અજિત પવારને જાહેર બાંધકામ વિભાગને સૂચના આપી હતી કે મરાઠા સમુદાયના વિદ્યાર્થીઓ માટે સારથી સંસ્થા દ્વારા બનાવવામાં આવી રહેલી હોસ્ટેલ જેવી જ આ હૉસ્ટેલનું બાંધકામ ગુણવત્તાયુક્ત રહે. બધી હોસ્ટેલ સરકારી બિલ્ડિંગમાં જ બનાવવામાં આવવાની છે. હાલ ત્રણ જગ્યાએ સરકારી જમીન ઉપલબ્ધ છે અને ત્યાં બાંધકામ ચાલી રહ્યું છે. બાકીની ૧૯ હૉસ્ટેલમાંથી ૧૧ માટે જમીન ઉપલબ્ધ છે અને તેમના બાંધકામ માટે વહીવટી મંજૂરી હવે મંજૂર કરવામાં આવી છે.

સરકારી નિવેદન મુજબ મંજૂર કરાયેલી હૉસ્ટેલમા પટોડા,કેજ, પર્લી, ગેઓરાઈ અને માજલગાંવ ખાતે બે-બે અને બીડ ખાતે એક છોકરીઓ માટે હૉસ્ટલે હશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button