બીડમાં મહિલા વકીલની મારપીટ! વિપક્ષ દ્વારા મહાયુતિ સરકારની ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના વિપક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બીડ જિલ્લાના આંબેજોગાઈ તાલુકામાં એક ઘટના બની જ્યાં એક ગામના સરપંચે કાર્યકરો સાથે મળીને એક મહિલા વકીલને નિર્દયતાથી માર માર્યો હતો, કારણ કે તેણે ફરિયાદ કરી હતી કે તેને ડીજેના અવાજથી ખલેલ પહોંચી રહી છે. એવો આરોપ છે કે લાકડીઓ અને પાઇપની મદદથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના ફોટા પણ વાયરલ થયા છે અને હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાલે આ ઘટના પર રાજ્યની સરકાર સામે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
‘બીડના આંબેજોગાઈમાં સેશન્સ કોર્ટમાં વકીલાત કરતી એક મહિલાને ગામમાં ધ્વનિ પ્રદૂષણ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવા બદલ સરપંચ અને તેમના કાર્યકરો દ્વારા ખેતરમાં લઈ જઈને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. લાકડીઓ અને લોખંડના પાઈપોથી થયેલા હુમલાને કારણે મહિલા બેભાન થઈ ગઈ અને બાદમાં માત્ર એક જ રાતમાં હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવી. આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને મહિલાઓની સુરક્ષા અંગે સરકારની નિષ્ફળતાનો પુરાવો આપે છે. જો વકીલ મહિલા સુરક્ષિત નથી, તો સામાન્ય મહિલાઓનું શું? જો મહારાષ્ટ્રમાં પૂર્ણ-સમયના ગૃહ પ્રધાન હોય, તો વહીવટીતંત્રે તાત્કાલિક ગુનેગારો સામે કેસ નોંધવો જોઈએ, આરોપીઓની ધરપકડ કરવી જોઈએ અને તેમને કડક સજા કરવી જોઈએ,’ એમ હર્ષવર્ધન સપકાલે સરકારને પડકાર ફેંક્યો છે.
આ પણ વાંચો: બીડમાં પવન ઊર્જા કંપનીના કેમ્પસમાંથી કેબલ ચોરવા બદલ ચાર જણની ધરપકડ
શરદ પવાર જૂથના મહિલા પ્રદેશ પ્રમુખ રોહિણી ખડસેએ પણ ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ‘મુખ્ય પ્રધાનશ્રી, આ ફોટા જુઓ અને મને કહો કે તમે કેવી રીતે સૂઈ શકો છો? બીડ જિલ્લાના આંબેજોગાઈ તાલુકાના એક ગામમાં એક ઘટના બની છે જ્યાં એક મહિલા વકીલને ગામના સરપંચે તેમના કાર્યકરો સાથે મળીને ડીજેના અવાજની ફરિયાદ કરવા બદલ નિર્દયતાથી માર માર્યો હતો. લાકડીઓે અને પાઇપની મદદથી કરવામાં આવેલા આ ક્રૂર હુમલામાં મહિલા વકીલ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જો કોઈ મહિલા વકીલને માર મારવામાં આવી રહ્યો હોય, તો તે દર્શાવે છે કે આ રાજ્યમાં કાયદાનો કેટલો ડર છે. કમનસીબે, આ ઘટનાને કારણે મહારાષ્ટ્ર હવે બિહારથી આગળ વધી ગયું છે,’ એમ તેમણે ગૃહ મંત્રાલયની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું.
એનસીપી-એસપીના સાંસદ અમોલ કોલ્હેએ કહ્યું હતું કે એક મહિલા વકીલને 10-12 પુરુષો દ્વારા મારપીટ કરવામાં આવે છે તે જીજાબાઈ, અહિલ્યાબાઈ હોળકર અને સાવિત્રીબાઈ ફૂલે જેવા આદર્શ ધરાવતા મહારાષ્ટ્ર જેવા પ્રગત રાજ્ય માટે કલંક સમાન છે.