મહારાષ્ટ્ર

બીડ કેન્દ્રમાં 12મા ધોરણની પરીક્ષામાં નકલનો ડ્રોન કેમેરાથી પર્દાફાશ: 17 શિક્ષકો વિરુદ્ધ ગુનો

બીડ: બીડ જિલ્લાના કેન્દ્રમાં 12મા ધોરણની પરીક્ષા દરમિયાન મોટા પાયે નકલનો ડ્રોન કેમેરાથી પર્દાફાશ થયા બાદ 17 શિક્ષકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચૌસાલામાં કેન્દ્ર 224 ખાતે લેવામાં આવનારી પરીક્ષાના પહેલા જ દિવસે મંગળવારે મોટા પાયે નકલની ઘટના બની હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીઓ દ્વારા ડ્રોન પર ગોઠવવામાં આવેલા કેમેરાએ 16 પરીક્ષા હોલમાં સુપરવાઇઝરોને કેદ કર્યા હતા, જેઓ નકલ તો રાખી શક્યા નહોતા, પણ વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ કોપી કરવામાં મદદ કરી રહ્યા હતા.


અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાએ ‘નકલ-મુક્ત’ પરીક્ષા પ્રણાલી સુનિશ્ર્ચિત કરવાના વહીવટીતંત્રના પ્રયાસાનો નબળા પાડ્યા હતા. આ ઘટના વિશે જાણ્યા બાદ બીડના કલેક્ટર વિવેક જોન્સને આ ખામી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

દરમિયાન નેકનૂર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે પરીક્ષા કેન્દ્રના ચીફ ક્ધડક્ટર સહિત 17 શિક્ષકો વિરુદ્ધ બુધવારે રાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બીડ જિલ્લામાં હાલ 103 કેન્દ્રો પર 12મા ધોરણની પરીક્ષા લેવામાં આવી રહી છે અને 45,247 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં મંગળવારે 12મા ધોરણના અંગ્રેજીના પેપરની પરીક્ષા દરમિયાન કથિત રીતે સામૂહિક નકલ કરવાનો કેસ સામે આવ્યો હતો, જેને પગલે 23 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button